મુંબઈ : ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં દેશમાં રિમેટન્સિસની વૃદ્ધિમાં પચાસ ટકા ઘટાડો જોવા મળશે. ૨૦૨૩માં રેમિટેન્સિસમાં ૭.૫૦ ટકા વધારો થયો હતો જે ૨૦૨૪માં ૩.૭૦ ટકા જોવા મળવા શકયતા હોવાનું વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ક્રુડતેલના ભાવમાં ઘટાડા તથા ઉત્પાદન પર કાપને પરિણામે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) ખાતેથી આઉટફલોસ નીચો રહેશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. ૨૦૨૩માં રેમિટેન્સિસનો આંક ૧૨૦ અબજ ડોલર રહ્યો હતો જે ૨૦૨૪માં સાધારણ વધી ૧૨૪ અબજ ડોલર અને ૨૦૨૫માં ૧૨૯ અબજ ડોલર રહેવાની ધારણાં છે.
યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) તથા સિંગાપુર જેવા રેમિટેન્સિસના મુખ્ય દેશોને ભારત દ્વારા પોતાની યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) સેવાને જોડી દેવાના પ્રયાસો ખર્ચમાં ઘટાડો કરાવશે અને રિમેટિન્સિસમાં ઝડપ પણ આવશે.
રેમિટેન્સિસ મેળવનારા દેશોમાં ગયા વર્ષે ભારતે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગયા વર્ષે ભારત બાદ ૬૬ અબજ ડોલર સાથે મેક્સિકો બીજા ક્રમે રહ્યું હતું. ૫૦ અબજ ડોલર સાથે ચીનનું સ્થાન ત્રીજું હતું. વિદેશમાં કામકાજ કરવા માટે જતા કર્મચારીઓમાં વૈવિધ્યતાને કારણે દેશમાં રેમિટેન્સિસની માત્રામાં સમતુલા જોવા મળી શકે છે.
નિપુણતા સાથેના કર્મચારીઓનો મોટો હિસ્સો ઊંચી આવક સાથેના ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી) દેશોમાં કામ મેળવે છે જ્યારે નીચી સ્કીલ્ડ સાથેના કર્મચારીબળ જીસીસી બજારોમાં રોજગાર ધરાવે છે.
યુએઈ સાથે મુકત વેપાર કરારને કારણે રેમિટેન્સિસમાં ભારતને લાભ થયો છે. કુલ રેમિટેન્સિસમાં યુએઈનો હિસ્સો ૧૮ ટકા રહ્યો છે જે અમેરિકા બાદ બીજુ મોટું રેમિટેન્સિસ છે.