– દુનિયાના 9 દેશો પાસે કુલ મળી 12,121 એટમ બોમ્બ છે
– ન્યુક્લિયર બોમ્બની સંખ્યા વધારવા સાથે ચીન તે બોમ્બ વધુને વધુ સક્ષમ તેમજ પ્રબળ બનાવી રહ્યું છે
નવીદિલ્હી : વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોનો જથ્થો વધતો જાય છે. ચીને તેના શસ્ત્રાગારમાં વધુ ૯૦ પરમાણુ શસ્ત્રો ઉમેર્યા છે. તેટલું જ નહીં પરંતુ તેણે તેનાં ન્યુક્લિયર-ફોર્સને હાઇએલર્ટ ઉપર મુકી દીધું છે. ભારતે પણ તેનાં માત્ર ૧૭૨ પરમાણુ શસ્ત્રોનો જથ્થો વધારવાની શરૂઆત કયારનીએ કરી જ દીધી છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પી.સી. રીસર્ચ ઇન્સ્ટિટયુટ (SIPRI- સીપ્રી)એ ગઈકાલે આ માહિતી આપતાં જણાવી દીધું છે કે ૨૦૨૪ના પ્રારંભમાં દુનિયાના ૯ દેશો રશિયા, અમેરિકા, ચીન, ફ્રાંસ, યુકે, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયેલ પાસે મળી કુલ ૧૨,૧૨૧ પરમાણુ શસ્ત્રો છે. આ પૈકી ૩,૯૦૪ તો યુદ્ધની સ્થિતિમાં તૈનાત રખાયાં છે. તે પૈકી ૨,૧૦૦ ન્યૂક્લિયર વોર હેડઝ તો હાઈ ઓપરેશનલ એલર્ટમાં મુકી દેવાયાં છે. જે સંખ્યા ગત વર્ષ કરતાં ૧૦૦ જેટલી છે.
હજી સુધી રશિયા અને અમેરિકાએ જ તેમનાં પરમાણુ શસ્ત્રોનાં ટોચકાં ધરાવતાં પ્રક્ષેપાસ્ત્રો હાઈએલર્ટ પર મુકી દીધાં છે. પરંતુ હવે ચીને પહેલી જ વખત તેનાં વધુ ૯૦ એટમિક વોરહેડ્ઝ હાઈએલર્ટ પર મુકી દીધાં છે.
ભારતનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝ ટુડે નામક પરિસંવાદમાં ભારતના ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, ભૂ-રાજકીય પરિદ્રશ્ય તરીકે જોતાં પરમાણુ શસ્ત્રો ફરી એકવાર મધ્યસ્થ ભૂમિકામાં આવી ગયાં છે.