ગાંધીધામમાં મોબાઈલમાં બહેન સાથે ફોટો હોવાની શંકા રાખી ધમકી
ગિરવે રાખેલા ફોનમાં ફોટો હોવાની આશંકા રાખી ‘કાલની સવાર નહીં જૂએ’ તેવી ધમકી આપી હતી
ગાંધીધામ : ગાંધીધામમાં ગિરવે રાખેલા ફોનમાં પોતાની બહેન સાથેના ફોટો હોવાનો શંકા રાખી એક યુવાને બીજા યુવાનને ‘કાલની સવાર નહીં જુએ સ્મશાનયાત્રાની તૈયારી કરી લો’ તેવી ધમકી આપી હતી. ધમકીથી ડરી જતાં મહેશ્વરીનગરમાં રહેતા યુવાને ખૂદ પોતાના ઉપર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ગાંધીધામના મહેશ્વરીનગર ખાતે રહેતા ભાણબાઈ ઉર્ફે ભાવનાબેન વીરજીભાઈ ફફલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૧૮-૬ ના સાંજે ૬ વાગ્યાના અરસામાં તેમનો દીકરો ગૌતમ તેમની પાસેથી રૂ.૫૦ લઇને બહાર જતો રહ્યો હતો. આશરે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં ગૌતમના મિત્ર ગોવિંદ હરજીભાઇ ઉર્ફે હાજા હિંગણા તેમના ઘરે આવ્યો હતો. ગરમીના કારણે તેઓ પોતાના નણંદ સોનબાઇ અને દીકરી નૈના ઘરની સામે બેઠા હતા. ગોવિંદે તેમને ઘરના આંગણામાં બોલાવી ગૌતમ તેનો મોબાઈલ મારી પાસે રૂ.૧૫૦૦ માં ગિરવે રાખી ગયો હોવાનું કહી મોબાઇલમાં પોતાની બહેન સાથે ફોટો હોવાની શંકા રાખી ગૌતમ કાલની સવાર નહીં જુએ તેવી ધમકી આપી હતી. દરમિયાન ગોવિંદને સમજાવવાની કોશિશ કરી તો તેણે સ્મશાન યાત્રાની તૈયારી કરો કહી ચાલ્યો ગયો હતો. તેના ગયા પછી ૧૦થી ૧૫ મિનિટમાં રાત્રે બે વાગ્યે છત પરથી તેમના પુત્ર ગૌતમે મમ્મી તારા પૈસા લઇ લે હું જીવનમાંથી જાઉં છું, મને ગોવિંદે મારી નાખવાની ધમકી આપી છે. દરમિયાન ફરિયાદી છત પર પહોંચે તે પહેલા પેટ્રોલ વડે તેણે પોતાની જાત જલાવી હતી. તેને ભુજ લઇ જવાયા પછી અમદાવાદ રીફર કરાયો હતો. પરંતુ તા.૨૪-૬ ના સારવાર દરમિયાન તેણે દમ તોડયો હોવાનું જણાવી ગોવિંદ વિરૂધ્ધ પોતાના પુત્રને મરવા મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.