મુંબઈ : ભારતમાં ડેરિવેટિવ ટ્રેડિંગના વોલ્યુમમાં થઈ રહેલા જોરદાર વધારા સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તેના ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટ (એફએસઆર)માં ચેતવણી ઉચ્ચારી છે.
બજારમાં અચાનક વધઘટના કિસ્સામાં યોગ્ય જોખમ સંચાલન વગરના રિટેલ રોકાણકારો અટવાઈ શકે છે. શેરબજારોમાં ટૂંકા ગાળાના ઓપ્શન્સમાં વધારો વધુ વોલેટિલિટી ઊભી કરે છે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે, ઈક્વિટી એફએન્ડઓ સેગમેન્ટમાં વેપાર કરતા રિટેલ ટ્રેડરોમાંથી ૮૯ ટકા ટ્રેડરે નાણાં વર્ષ ૨૦૨૨માં નુકસાન કર્યું હતું. સરેરાશ નુકસાનીનો આંક રૂપિયા ૧.૧૧ લાખ કરોડ રહ્યો હતો.
દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નવી ટેકનોલોજીઓના આગમનથી નાણાં વ્યવસ્થા સામે ઊભી થઈ રહેલી ખલેલો સામે ચેતવણી ઉચ્ચારી છે.
નાણાંકીય સ્થિરતાના ગણિતો હાલમાં શ્રેષ્ઠ છે પરંતુ તેને જાળવી રાખવાનું અને તેમાં સુધારો કરવાનું પડકારરૂપ છે એમ ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે.
નવી ટેકનોલોજીઓના લાભ થાય છે પરંતુ તેની સાથે તે નાણાં વ્યવસ્થા માટે અચાનક અને વ્યાપક ખલેલ પણ લાવે છે.
આ હકીકતને ધ્યાનમાં રાખી દરેક હિસ્સેદારોએ ટેકનોલોજીના લાભ લેવા સાથે પોતાની સિક્યુરિટીની સલામતિ માટે પગલાં પણ લેવાના રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.