મુંબઈ : દેશની શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોનું ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)નું પ્રમાણ ગયા નાણાં વર્ષ એટલે કે ૨૦૨૩-૨૪ના અંતે ઘટી ૨.૮૦ ટકા સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહી છે જ્યારે નેટ એનપીએનું પ્રમાણ ૦.૬૦ ટકા પર આવી ગયું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ૨૯માં ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું છે.
એનપીએમાં ઘટાડા તથા નફામાં વૃદ્ધિને પરિણામે શિડયૂલ્ડ કમર્સિઅલ બેન્કોની સ્થિતિમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. બેન્કોનું રિટર્ન ઓન એસેટસ તથા રિટર્ન ઓન ઈક્વિટી અનુક્રમે ૧.૩૦ ટકા અને ૧૩.૮૦ ટકા સાથે દાયકાની ઊંચી સપાટીએ રહ્યું છે.
બીજી બાજુ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીસ)નું રિસ્ક વેઈટેડ એસેટસથી કેપિટલ (સીઆરએઆર)નું પ્રમાણ ગયા નાણાં વર્ષના અંતે ૨૬.૬૦ ટકા રહ્યું છે જ્યારે તેમનું ગ્રોસ એનપીએનું પ્રમાણ ૪ ટકા અને રિટર્ન ઓન એસેટસનું પ્રમાણ ૩.૩૦ ટકા રહ્યું હોવાનું રિઝર્વ બેન્ક દ્વારા નોંધવામાં આવ્યું છે.
વૈશ્વિક ભૌગોલિક-રાજકીય અશાંતિ,જાહેર દેવામાં વધારા અને ફુગાવો ઘટવાની ગતિ ધીમી પડવા જેવા પડકારો છતાં વૈશ્વિક નાણાં વ્યવસ્થા સ્થિતિસ્થાપક રહી શકી છે અને નાણાંકીય સ્થિતિ સ્થિર જોવા મળી રહી છે.
ભારતનું અર્થતંત્ર અને નાણાં સ્થિતિ મજબૂત હોવાની પણ રિઝર્વ બેન્કે નોંધ કરી છે. બેલેન્સ શીટસમાં મજબૂતાઈ સાથે બેન્કો તથા નાણાં સંસ્થાઓ ધિરાણ પૂરા પાડી અર્થતંત્રની પ્રવૃત્તિને ટેકો આપી રહી છે.
ઈન્સોલવેન્સી બેન્કરપ્સી કોડ (આઈબીસી) લાગુ થયા બાદ દેશની બેન્કો પર એનપીએનું દબાણ ઘટવામાં મદદ મળી છે એટલુ જ નહીં નબળી પડેલી લોન્સની રિકવરી પણ ઝડપી બની છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.