– સતત ત્રણ દિવસથી પારો 40 ડીગ્રી ઉપર જ રહ્યો છે કરાચીમાં ચાર કબ્રસ્તાન છે પરંતુ હવે કબરો માટે જગ્યા નથી
કરાંચી : પાકિસ્તાનમાં ભીષણ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. એકલા કરાંચી શહેરમાં ચાર દિવસમાં ૪૫૦થી વધુનાં ગરમીને લીધે મૃત્યુ થયાં છે. દેશની એક એન.જી.ઓ.એ આ માહિતી આપી હતી તેણે જણાવ્યું હતું કે હીટસ્ટ્રોકને લીધે સેંકડો લોકો હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. એધી ફાઉન્ડેશન નામક સંસ્થાએ જણાવ્યું છે કે છેલ્લાં ૪ દિવસમાં ઓછામાં ઓછાં ૪૨૭ શબ મળી આવ્યાં છે જ્યારે મંગળવારે ૨૩ શબ મળ્યાં હતાં. આમ કુલ ૪૫૦ શબ મળ્યાં છે.
પાકિસ્તાનનું આર્થિક પાટનગર કહેવાતાં આ શહેરમાં શનિવારથી જ ગરમી પ્રકોપ ચાલુ રહ્યો છે. બુધવાર સુધી સતત પારો ૪૦ ડીગ્રી ઉપર જ રહ્યો છે. આમ સતત વધી રહેલું ઉષ્ણતામાન ચિંતાજનક બની રહ્યું છે. જોકે હવે આગામી દિવસોમાં રાહત થવાની આશા છે.
એધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈઝલ એધીએ જણાવ્યું હતું કે કરાંચીમાં ચાર કબ્રસ્તાન છે. પરંતુ તેમાં શબને રાખવાની જગ્યા રહી નથી. દુઃખદ વાત તે છે કે આ કઠોરતમ્ મોસમમાં વીજળી કાપે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. અતિશય ગરમીથી મરનારાઓમાં બેઘર લોકો, સડકો પર રહેનારા લોકો અને નશાખોરો મોટા પ્રમાણમાં સમાવિષ્ટ છે.
આ ગરમીમાં વધુ મૃત્યુ થવાનું કારણ તે પણ છે કે દેશમાં બેકારી બેફાટ છે. તેથી લોકો રોજગારીની શોધમાં તડકામાં પણ નીકળે છે. પરિણામે સન-સ્ટ્રોક કે હીટસ્ટ્રોકથી મૃત્યુ પામે છે. મંગળવારે હોસ્પિટલોનાં શબગૃહોમાં ૧૩૫ શબ આવ્યાં હતાં. સોમવારે ૧૨૮ શબ આવ્યા હતો.
ટૂંકમાં અસામાન્ય ગરમી સતત પડી રહી હોવાથી સમગ્ર દેશમાં હાહાકાર થઈ રહ્યો છે. તેમાં કરાંચીમાં નોંધાયેલાં મૃત્યુએ તો તમામ વિક્રમો તોડી નાંખ્યા છે.