Chenpur Ahmedabad: અમદાવાદના ચેનપુર વિસ્તારમાં આવેલા તળાવ ખાતે ગુરુવારે વૃક્ષારોપણ કરવા પહોંચેલા રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટ અને સ્થાનિકો વચ્ચે વિકાસને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં કોર્પોરેટરો સ્થળ છોડવા મજબુર બન્યા હતા. પંદર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ચેનપુરનો સમાવેશ થયો હોવા છતાં વિકાસ નહીં થતો હોવાના મુદ્દે ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો હતો.
ગ્રામજનોનો ઉગ્ર આક્રોશ
ગ્રામજનોના ઉગ્ર વિરોધ બાદ બચાવ કરતા ભાજપના કોર્પોરેટરે અમારે બીજે કાર્યક્રમ છે કહીને ત્યાંથી રવાના થયા હતા. ગ્રામજનોએ કોર્પોરેટરો માત્ર ફોટા પડાવવા આવતા હોવાનો પણ આક્રોશ વ્યકત કર્યો હતો.
પંદર વર્ષ થઈ ગયા છતાં ગામમા કોઈ વિકાસ થયો નથી
ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા રાણીપવોર્ડના ચેનપુર તળાવ પાસે ગુરુવારે સવારે ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબહેન પંચાલ તથા ગીતા બહેન પટેલ વૃક્ષારોપણ કરવા તથા તળાવની સાફ સફાઈ માટે પહોંચ્યા હોવાની સ્થાનિકોને જાણ થતા મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકઠા થઈ કોર્પોરેટરોને રજુઆત કરી હતી કે, પંદર વર્ષ થઈ ગયા છતાં ગામમા કોઈ વિકાસ થયો નથી.
કરોડો રુપિયાની ફાળવણી છતાં ગામનું તળાવ બન્યુ નથી
તળાવના વિકાસ માટે કરોડો રુપિયાની ફાળવણી કરવામાં આવે છે. છતાં હજુ સુધી ગામનું તળાવ બન્યુ નથી. ગ્રામજનોની ઉગ્ર રજુઆત બાદ ત્રણે કોર્પોરેટરોએ અમે કામ કરીએ છીએ કહી ચાલતી પકડી હતી. રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલે વિવાદ અંગે કહ્યું,ગામના વિકાસકામ અને તળાવનુ કામ પણ ચાલુ છે.
સ્માર્ટસીટી અને વિકાસની માત્ર વાતો જ
સ્થાનિકોના કહેવા મુજબ, ચેનપુર ગામમા કોર્પોરેટરો આજદિન સુધી જોવા આવ્યા નથી. અવારનવાર સ્માર્ટસીટી અને વિકાસની દુહાઈ દેતા સત્તાધીશોને ગુરુવારે ચેનપુર ગામના લોકોએ વાસ્તવિકતા બતાવી દીધી હતી.