વધુ એક બાળકી તંત્રની નિષ્ક્રિયતાનું ભોગ બની
બાળકીનાં મોતની ઘટનાથી જનઆક્રોશ ભભુકી ઉઠયો, લોકોએ ચક્કાજામ કરી ભારે વાહનોનાં ટાયરોમાં હવા કાઢી
ગાંધીધામ: અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સ્કૂટી પર સ્કૂલે જતી બે બહેનપણીઓને ટ્રેઈલર ચાલકે હડફેટે લીધો હતો. જેમાં અંજાર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા એ. એસ. આઈની દિકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે તેની સાથે બીજી બાળકીને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. અકસ્માતમાં બાળકીનાં મોતનાં સમાચાર સાંભળી આસપાસનાં લોકોએ ઘટના સ્થળ પર આવી ચક્કાજામ કર્યો હતો. જેમાં ટ્રાફિકજામ સર્જાતા પોલીસે લાઠીચાર્જ કરી રોડ ચાલું કરાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર અંજારમાં યોગેશ્વર ચોકડી પાસે સવારનાં સાડા સાતના અરસામાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કુટી પર બહેનપણીને બેસાડી સ્કુલે જતી અંજાર શહેરના ટ્રાફિક ઈન્ચાર્જ વનરાજસિંહ સોલંકીની ૧૬ વર્ષની દીકરી રાજવીબાને પાછળથી ટ્રકે ટક્કર મારતાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે તેની સાથે હસ્તિ બિપીનભાઈ જોશી નામની કિશોરીને સામાન્ય ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સવારનાં ભાગે અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવની જાણ થતા આસપાસનાં લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માતમાં બાળકીનાં મોતનાં બનાવથી લોકોમાં જનાક્રોશ ભભૂકી ઉઠયો હતો. સ્થાનિક રહીશોએ યોગેશ્વર ચોકડી પરથી પસા થતાં ભારે વાહનોનાં પૈડાંની હવા કાઢીને રસ્તા બંધ કરી ચક્કાજામ કર્યો હતો. લોકોનું ટોળું રામધૂન બોલાવીને વચ્ચે બેસી ગયું હતું. જોતજોતામાં યોગેશ્વર ચોકડીથી નાગલપર, કળશ સર્કલ વીડી અને નવી કાર્ટ તરફના માર્ગો પર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. ચક્કાજામના પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા અંજાર મામલતદાર અને અંજાર પોલીસ ઉપરાંત આદિપુર, ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસ, એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અગાઉ પણ ૧૬ માર્ચની રાત્રે આ જ સ્થળે જીવલેણ દુર્ઘટના સર્જાતાં લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ હતી. અત્યારસુધીમાં અહીં લોકોએ પાંચથી વધુ વખત ચક્કાજામ કર્યો છે છતાં પણ તંત્રણી આંખ ન ખુલતા વધુ એક માસુમ બાળકીનો ભોગ લેવાઈ ગયું છે. પોલીસ અને મામલતદારે લોકોને સમજાવટનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ રોષે ભરાયેલાં લોકોએ વાહનો જવા દેવાનો ઈન્કાર કરતા પોલીસે અંતે ચક્કાજામ કરતા લોકો પર લાઠીચાર્જ કરી અને ભીડને વેર વિખેર કરી હતી અને રસ્તો ચાલું કરાવ્યો હતો.
કચ્છ કલેક્ટરનું ભારે વાહનનું પ્રવેશનિષેધનું જાહેરનામું ફક્ત કાગળ પર
અંજારમાં કળશ સર્કલથી યોગેશ્વર ચોકડી અંજાર જનરલ હોસ્પિટલ થઇ નાગલપર ચોકડી થઇને મુન્દ્રા જતાં ભારેથી અતિભારે વાહનોને કારણે યોગેશ્વર ચોકડીથી નાગલપર ચોકડી સુધીના રસ્તા પર વારંવાર સર્જાતાં જીવલેણ અકસ્માતોના પગલે અનેક નિર્દોષ
લોકોનાં મોત થયા છે.જે સંદર્ભે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ બાબતે રજુઆત કરતા પૂર્વ કલેક્ટર પ્રવિણા ડી.કે.એ ભારે વાહનો પર ૧૫ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ પ્રવેશબંધી ફરમાવી હતી.પરંતુ એ જાહેરનામાંનું તંત્ર દ્વારા ક્યારે પણ અમલ કરાવવામાં આવ્યુ નથી. અવાર નવાર સામાજિક અને સંસ્થાઓ દ્વારા અંજાર પી. આઈ અને એસ ડી એમ માં અરજીઓ કરી રજુઆતો કર્યા છતાં પણ તંત્રનાં પેટનું પાણી ન હલતા વધુ એક જિંદગી તંત્રની બેદરકારીનું ભોગ બની હતી.
અંજાર ટ્રાફિક પોલીસ પોતે નો એન્ટ્રીમાં ભારે વાહનોને જવા દેવા પૈસા ઉઘરાવતી હોવાના આક્ષેપ
કળશ સર્કલ થી યોગેશ્વર ચોકડી પર ભારે વાહનો માટે પ્રવેશબંધીનું લાભ લઈ અંજાર ટ્રાફિક પોલીસ અને પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ રૂપિયા ઉઘરાવતી હોવાના આક્ષેપો અવાર નવાર પોલીસ પર લાગી ચુક્યા છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે, અંજાર પોલીસ કળશ સર્કલ પર એક ટી આર બી જવાનને બેસાડી અને ટ્રક અને ટ્રેઈલર તેમજ મીઠાંનાં ભરેલા ડમ્પરો પાસે વાહન દીઠ ૨૦૦ રૂપિયા ઉઘરાવી અને તેમને નો એન્ટ્રીમાં એન્ટ્રી અપાવી ધોળા દિવસે બિન્દાસ કચ્છ કલેક્ટરનાં જાહેરનામાંની શરમ રાખ્યા વિના વાહનોને પોલીસ દ્વારા જવા દેવામાં આવતા હોવાનું લોક ચર્ચા થઇ રહી છે.
પોલીસની જ પુત્રીનું અવસાન થયું હવે સાચી પ્રવેશબંધી થશે..!!
યોગેશ્વર ચાર રસ્તા પર સૌથી વધુ લોકોને જીવ ગયા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ભારે વાહનો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. તેમ છતાં પોલીસે આ જાહેરનામું માત્ર કાગળ પર જ રાખ્યું હતું. જેથી શહેરીજનોના જીવ જઈ રહ્યા હતા. પરંતુ હવે પોલીસના સંતાનનું ભારે વાહનના કારણે મૃત્યુ થતાં સાચી પ્રવેશબંધી થશે અને હવે આ માર્ગ પરથી ભારે વાહન પસાર થવા દેવામાં નહીં આવે તેઓ લોકો ચર્ચા કરી રહ્યા હતા.