– શહેરની ટ્રાફીક સમસ્યા અતિ જટીલ અને પીડા દાયક બનતી જાય છે
– બસ પોર્ટ શરૂ કરાયાના સમયે દબાણ હટાવવાની કામગીરી નાટક સાબિત થઈ, ધંધાર્થીઓ મહિનામાં જ ગોઠવાઈ ગયા
– ભુજ નગરપાલિકા અને પોલીસ વચ્ચે ટ્રાફીક સમસ્યાના ગંભીર પ્રશ્રે સંકલનનો અભાવ
ભુજ: ભુજ શહેરની ટ્રાફીક સમસ્યા અતિ જટીલ અને પીડા દાયક બનતી જાય છે, પણ આ અંગે જવાબદાર તંત્ર કાયમી ધોરણે નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલ છે. જેનો ભોગ શહેરની પ્રજા બની રહી છે. ખાસ કરીને શહેરના બસ પોર્ટના આગળના ભાગે આડેધડ પાર્કિંગ માથાના દુઃખાવા સમાન છે. બસ પોર્ટ શરૂ થતાં પહેલા મોટા ઉપાડે દબાણ દુર કરવાના નાટકો સાબિત થયા છે. દબાણ દુર કરાયાના એકાદ મહિનાની અંદર જ દબાણકારો ફરી એ જ સ્થળે ગોઠવાઈ ગયા. જેથી, ભુજ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તંત્રની દબાણ હટાવવાની કામગીરી સામે શંકાઓ ઉઠી રહી છે.
બીજીતરફ, ભુજ શહેરના બસ પોર્ટની આગળ અને વાણિયાવાડ નાકે ઉપરાંત સાંજના ભાગે અનમ રીંગ તેમજ છઠ્ઠીબારી રીંગ રોડ પર ટ્રાફીક સમસ્યા અતિ વિકટ અને ત્રાસજનક બનવા પાછળ ટ્રાફીક શાખાની અતિ નબળીને બિનજવાબદાર કામગીરીનો અતિ મોટો ફાળો છે. આ અંગે આ હાલાકી અને પરેશાનીનો રોજબરોજ સામનો કરતા નાગરીકો જણાવે છે કે, ટ્રાફીક શાખાની અતિ બિનજવાબદાર કામગીરી ભુતકાળમાં કયારેય પણ જોવા મળેલ નથી. શહેરના વિવિધ ટ્રાફીક પોઈન્ટ ઉપર ટ્રાફીક બ્રિગેડના બિનઅનુભવી, બિનજવાબદાર સ્ટાફને ફરજ ઉપર રાખવામાં આવે છે. તે સમગ્ર સ્ટાફ ફરજ ઉપરની જગ્યાએથી દુર આરામથી બેસી શકાય તેવી જગ્યા શોધી સેલ ફોનમાં અતિ મશગુલ રહે છે. પોઈન્ટ ઉપર ટ્રાફીક જામ ત્યારે ફરજ ઉપરનો સ્ટાફ માત્ર બે કે ત્રણ મિનિટ પ્રજા ઉપર ઉપકાર કરતા હોય તેમ ફરજ બજાવવા પોઈન્ટ ઉપર આવે છે. મોટા ભાગે તો વાહન ચાલકો જ તેમની રીતે રસ્તો કરી લે છે. આ સ્થિતિ મોટાભાગના પોઈન્ટ ઉપર સતત જોવા મળે છે. આ બાબત ટ્રાફીક શાખાની બિનજવાબદારી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.
ભુજ બસ પોર્ટ ડિસેમ્બર મહિનામાં શરૂ થયું તે પૂર્વે પાલિકા અને પોલીસે સાથે મળીને દબાણ દુર કર્યું હતું. બસ પોર્ટ સામેના વિસ્તાર તેમજ વાણિયાવાડ નાકા સહિતના સ્થળોને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી, તે સમયે વાહન ચાલકો, રાહદારીઓ સહિતનાઓને રાહત થવા પામી હતી. બસ પોર્ટમાંથી નીકળતી બસો પણ આરામથી પસાર થઈ શકતી હતી. બસ પોર્ટની આગળના ભાગે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા ન હતા જયારે વર્તમાન સમયમાં રોજેરોજ એસ.ટી. બસના ચાલકોની માથાકુટ થવા પામે છે. કેમ કે, બસ બહાર નીકળે કે તરત જ ટ્રાકિક સમસ્યાનો ભોગ બને છે. ટ્રાફીક શાખાની કામગીરી પણ નબળી છે. આ મહત્વની શાખાની નબળી કામગીરીનો ભોગ ભુજ શહેરની પ્રજા બને છે. આ હકીકત છે કે ભુજ નગરપાલિકા અને પોલીસ વચ્ચે ટ્રાફીક સમસ્યાના ગંભીર પ્રશ્ર સંકલનનો અભાવ છે. મિટીંગમાં સુચનો બાદ થયેલ હુકમોનું કાયમી ધોરણે બંનેવિભાગ તરફથી પાલન કરવામાં આવતું નથી.
– ટેક્ષી સ્ટેન્ડ સામે તુફાનોનો જમાવડો, જયુબિલી ગ્રાઉન્ડ પર ખાનગી વાહનોની દાદાગીરી
ટેક્ષી સ્ટેન્ડ, જનતાઘર સહિતના સ્થળોએ મીની બસો, મોટી સાઇઝની જીપોના સ્ટેન્ડ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર અને આ તમામ વાહનો મુસાફરો લેવા ઉતારવા રસ્તાઓ ઉપર જ ઉભા રહે છે. જેથી ટ્રાફીક સમસ્યા વધુ વિકટ બને છે. જે તે સમયે ટેક્ષી સ્ટેન્ડ સામેની બાજુએ તુફાનોને એક સાઈડમાં ઉભી રાખવા સુચના આપવામાં આવી હતી જેની અમલવારી માત્ર એક જ મહિનો થયા બાદ વર્તમાનમાં રોડની બંને તરફ તુફાનો નજરે પડે છે. શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ઉપર તો સરકારી એસ.ટી. બસને થોભવા માટે ખાનગી વાહનો પસાર થઈ જાય તેની રાહ જોવી પડે છે. તેવી રીતે ગાંધીધામ જતી ખાનગી લકઝરીઓ, છકડાઓનો જયુબિલી ગ્રાઉન્ડ પર જમાવડો જોવા મળે છે.
– રીક્ષા ચાલકો સ્ટેન્ડ ઉપર ઉભા રહેવાને બદલે મુખ્ય માર્ગમાં ઉભા રહે છે
બસ પોર્ટની આગળના ભાગે શહેરના તમામ રીક્ષા ચાલકો ધંધા માટે રીક્ષા સ્ટેન્ડ ઉપર ઉભા રહેવાના બદલે મુખ્ય માર્ગમાં ઉભા રહે છે. જેથી ટ્રાફીક સમસ્યા વધુ ગંભીર બનેલ છે. આ ગંભીર બાબત ઉપર પોલીસ વિભાગ પણ અજાણ હોઇ તેમ કોઇ જ કાર્યવાહી કરતુ નથી. આ અંગે પોલીસે તાકીદે સજાગ થઇ સતત સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. એટલું જ નહીં, રીક્ષા સ્ટેન્ડ ઉપર પાંચ રીક્ષાઓને ઉભા રહેવાનું જાહેરનામું હોવા છતાં પાંચથી વધુ રીક્ષાઓ ઉભી રાખીને કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે.