પાલિકાએ આપેલી નોટીસોને અવગણતા દુકાનદારો!!
બસ પોર્ટ નજીક વાણિયાવાડ શાકમાર્કેટ પાસે કાયમી ધોરણે દબાણો હટાવી પાલિકા ૨૦૦ જેટલી દુકાનો બનાવે તો સમસ્યાનું નિરાકરણ આવે
ભુજ: ભુજ બસ સ્ટેશન પાસે પાણીના નાલા પર બનેલી ચાર દાયકાઓ જુની અને જર્જરીત ૧૮૦ જેટલી દુકાનોને કાયમી ધોરણે હટાવવાની માંગ છે. હાલે આ ચાર દાયકાઓ પહેલા બનેલી દુકાનો અતિ જર્જરીત અને દુકાનોમાં ભુકંપ અને વરસાદને કારણે આ દુકાનોમાં તિરાડો પડી ગઈ છે. આ દુકાનોમાં વેપારીઓએ કોઈ પણ જાતની મંજુરી વગર પ્રથમ અને બીજો માળ બનાવી અને લે વેંચના સોદાઓ પણ ભુતકાળમાં કર્યા છે. જયારે મૂળ માલિક અને ભાડુઆતો પણ સમય સમય પર બદલી ગયા છે. ભારતના સુપ્રિમ કોર્ટના નિયમો મુજબ કોઈ પણ નિર્માણ કાર્ય કે બાંધકામ પાણીના નાલા(વહેણ- વરસાદના પાણીનો નિકાલ) થતો હોય ત્યાં કોઈ પણ જાતનું નિર્માણ કામ કે દબાણ થઈ શકે નહીં.) પરંતુ, ભુજમાં છઠ્ઠીબારીથી જનતાઘર સુધી પાણીના નિકાલની વ્યવસ્થા અગાઉ હતી જેથી ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ અને મિડલ સ્કુલ પાસે ગમે તેટલો વરસાદ પડે તો પણ પાણીનો ભરાવો થતો નહીં.
નવી દુકાનો બનાવવા અંગે રજુઆત કરતા ભુજના સિનિયર સિટિઝન કે.વી.ભાવસારે જણાવ્યું હતું કે, નવા બસ સ્ટેશન પાછળના ભાગનો વિસ્તાર જુની જય ભારત લોજ- રામદેવપીર મંદિરનું આવેલું છે ત્યાં વિશાળ પ્રમાણમાં જગ્યા ખાલી છે. અહીં, ગેરકાયદેસર માલ સામાન રાખવા માટેની કેબીનો, હાથલારીઓ, હોટલો વિગેરે કોઈ પણ જાતની નગરપાલિકા કે ભાડા ની કચેરીની મંજુરી વગર ભૂકંપ બાદ દુકાનો બનાવી નાખી છે. આ દુકાનો અને વિશાળ કેબીનો કાયમી ધોરણે અહિંથી હટાવી ભુજ નગરપાલિકા દ્વારા બંને સાઈડે ગ્રાઉન્ડ ફલોર અને ફસ્ટ ફલોરની ૨૦૦ જેટલી દુકાનો બની શકે તેમ છે. અને ૧૮૦ દુકાનદારોના માલિકોને બહુ દુર જવુ પડશે નહિં. બસ સ્ટેશન બાજુમાં હોતા તેમજ મેઈન રોડ શાકમાર્કેટ પાસેથી પસાર થતો હોવાથી તેમને કાયમી ધોરણે ધંધામાં તકલીફ પણ નહીં પડે. આવી દુકાનો બની ગયા બાદ વેંચાણથી તેમજ બજાર ભાવથી ભાડાથી દુકાનોના ભાવ નક્કી કરી આપી શકાય છે. આવી દુકાનોમાં નગરપાલિકાની લેખિત મંજુરી વગર કોઈ પણ દુકાનમાં ફેરફાર, સુધારા વધારા કે નિર્માણ કામ કરી શકે નહિ ંતેવી લેખિતમાં ખાતરી મળ્યા બાદ આપી શકાય.
– દુકાનદારો અને ગ્રાહકો માટે પાર્કિંગ વ્યવસ્થા આ રીતે કરી શકાય
વાણિયાવાડ નાકે આવેલ શાકમાર્કેટ સામે અગાઉ ૧૯૬૫ પહેલા જુનો બસ સ્ટેશન હતું, ત્યાંથી બસો ઉપડતી અને આવતી જતી હતી અને બાજુમાં ડીવીઝન ઓફિસ હતી. હાલે આ એરિયા સંપૂર્ણ રીતે ખાલી છે. આગળના ભાગમાં રેંકડીઓ અને કેબીનો કોઈ પણ જાતની નગરપાલિકાની મંજુરી વગર પોતાની મરજી મુજબ ગોઠવી અને કાયમી ધોરણે ભૂકંપ બાદ દબાણ કર્યું છે. ત્યારે, આ જગ્યાએ ભુજ નગરપાલિકા ૧૦૦ ટુ વ્હીલરનું પાર્કિંગ માટેનું સ્થળ બનાવે. જેથી, નગરપાલિકાને પણ કાયમી ધોરણે આવક થાય. ખરીદી માટે આવતા ગ્રાહકો તેમજ દુકાનદારોને પોતાના વાહનની સલામતિપૂર્વક પાર્કિંગ થઈ શકે તેમ છે. ભુજ નગરપાલિકાએ આ અંગે જુન માસમાં બેથી ત્રણ વખત નોટીસ દુકાનદારોને દુકાનો હટાવવા બાબતે સ્વખર્ચે આપી છે. ત્યારે, ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં પાછોતરો વરસાદ પડી શકે છે જેથી, કોઈ નુકશાની થાય તે પહેલા આગોતરૂ આયોજન કાયમી ધોરણે કરાવવા માંગ કરાઈ છે.
દુકાનદારો અને ગ્રાહકોના માથે તોળાઈ રહેલું જોખમ ભીડવાળી જગ્યાએ જાનહાનિ થશે તો કોણ જવાબદાર ગણાશે?
ભુજના બસ પોર્ટની આગળના ભાગે દુકાનો ચાર દાયકાઓ જુની છે. જર્જરીત અવસ્થામાં આ દુકાનો દુકાનદારો અને ગ્રાહકોના માથે જોખમ સર્જે તેમ છે. આ દુકાનોની આગળ દિવસભર હજારોની સંખ્યામાં ગૃહિણીઓ, રાહદારીઓ, ગ્રાહકો, વેપારીઓ, વિદ્યાર્થી વર્ગની અવરજવર રહે છે. દિવસભર લોકોની ભીડ રહે છે. જેથી, દુકાનદારો અને નાગરિકોના માથે સંકટ તોળાઈ રહ્યું છે. જર્જરીત દુકાનોના કારણે મોટી હોનારત સર્જાય તો નવાઈ નહીં. હજારોની સંખ્યામાં નાગરિકોની ભીડવાળી જગ્યાએ જાનહાનિ થશે તો કોણ જવાબદાર ગણાશે? દુકાનદારો પણ રોજીંદુ પેટિયુ રળવા ભયના ઓથા હેઠળ રોજગાર કરી રહ્યા છે.
૨૦૧૧મા ૧૦ ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હતી..
૨૦૧૧માં સપ્ટેમ્બર માસના પ્રથમ વીકમાં ભુજમાં ૧૦ ઈંચથી વધારે વરસાદ થતાં પાણી વાણિયાવાડ નાકે, મહેરઅલી ચોક અને વોકળા ફળિયા સુધી રસ્તા પર પાંચ ફૂટ પાણી રોડ ટચ દુકાનો અને મકાનોમાં ૪થી ૫ ફૂટ સુધી પાણીનો જમાવડો થયો હતો. વેપારીઓની દુકાનો સવારથી સાંજ સુધી પાણીમાં ડુબેલી હતી અને માલ સામાનને નુકશાની વેઠવી પડી હતી. તેમ છતાં નગરપાલિકાએ એ સમયે કોઈ કાર્યવાહી કરી ન હતી.