કલેક્ટરના જાહેરનામા બાબતે પોલીસ પણ મૂંઝાઈ
સ્થાનિકો ડેપ્યુટી કલકેટરને રજૂઆત કરી સ્પષ્ટ જાહેરનામું બહાર પડાય તેવી રજૂઆત કરશે
ગાંધીધામ: અંજારના યોગેશ્વર ચાર રસ્તા પર ૧૦૦થી વધુ માનવ જીંદગી હોમાઈ ચૂકી છે, જેના કારણે નગરપાલિકા, સંસ્થાઓ અને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆતો કરતાં આખરે વર્ષ ૨૦૧૯માં અંજારના કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા થઈ જનરલ હોસ્પિટલ અને નાગલપર જતાં માર્ગ પર ભારે વાહનોને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરતો જાહેરનામો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ જાહેરનામામાં ખુદ કલેકટરે જ ક્ષતિઓ છોડી ડેટા આજે સ્થિતિ એ થઈ છે કે પોલીસ ભારે વાહનોને યોગેશ્વર ચાર રસ્તા સુધી પહોંચતા રોકી નથી શકતી પરિણામે જાહેરનામું બહાર પડયા બાદ પણ લોકોના આ માર્ગ પર મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે અંજાર પોલીસ હવે કલેકટરના જાહેરનામાના ગૂંચવણમાં ફસાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મંગલવારે સવારે શાળાએ જય રહેલી અંજાર પોલીસના ટ્રાફિક ઈન્ચાર્જ એ.એસ.આઈ. વનરાજસિંહ સોલંકીની પુત્રી ૧૬ વર્ષીય રાજવીબા અને તેની સાથે હસ્તી બિપિન જોશીને ભારે વાહને હડફેટે લેતા હસ્તીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે રાજવીબા ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું હતું. અકસ્માતના સમાચાર સાંભળતા જ સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને ભારે વાહનો માટે ૪ કલાક સુધી રસ્તો બંધ કરી નાખવામાં આવ્યો હતો પરિણામે પોલીસે હળવો લાઠીચાર્જ કરી દસેક લોકોને ડિટેઇન કરી ટોળું વિખેરી નાખ્યું હતું. પરંતુ વાત અહીથી શાંત થઈ ન હતી. લોકો ફરી સાંજે એકત્રિત થયા હતા અને ભારે વાહનને અહીંથી નહીં જ પસાર થવા દઈએ તેવું નક્કી કરી સવારે જ્યારે ૨-૩ ભારે વાહનો પસાર થયા ત્યારે તેને રોકી દેવામાં આવ્યા સ્થાનિકો અને પોલીસ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં જાહેરનામામાં વિસંગતતા હોવાનું જણાવી પોલીસ ભારે વાહનોને યોગેશ્વર ચાર રસ્તા સુધી આવતા રોકી શકે તેમ ન હોવાનું જણાવતા સ્થાનિકોએ સોમવાર સુધી અહીથી ભારે વાહનોને પસાર ન થવા દેવાનું જણાવતા પોલીસે સોમવાર સુધી સહકાર આપવાની ખાતરી આપી હતી. દરમિયાન હવે શનિવારે સ્થાનિક લોકો એકત્રિત થઈ જાહેરનામામાં દેખાતી વિસંગતતા દૂર કરી ફરીથી જાહેરનામું તાત્કાલિક બહાર પડાય તેવી માંગ કરશે તેવું સ્થાનિકો વતી રવિ આહિરે જણાવ્યું હતું.
કળશ સર્કલથી ગાંધીધામ જવા અંગે જાહેરનામામાં કોઈ ઉલ્લેખ જ નથી
જાહેરનામાની અમલવારી બાબતે જ્યારે અંજાર પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એવું જણાવવામાં આવ્યું હતું કે, કચ્છ કલેક્ટર દ્વારા જે જાહેરનામું બહાર પડાયું છે તેમાં જણાવ્યુ છે કે અંજારના કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા થઈ નાગલપર જતાં માર્ગ પર ભારે વાહનને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી પરંતુ કળશ સર્કલથી ગાંધીધામ તરફ જવું હોય તો તે બાબતે માર્ગનો ઉપયોગ કરવું કે નહીં તેનો કોઈ ઉલ્લેખ જ નથી. ભુજથી આવતા વાહનને કે અંજાર થઈ ગાંધીધામ જવું હોય તો અંજાર સીટી અથવા ફરજિયાત આ કળશ સર્કલ વાળા હાઇવેનો જ ઉપયોગ કરવો પડે તેમ છે જેથી જાહેરનામામાં સ્પષ્ટતા ન હોવાથી કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા થઈ ચિત્રકૂટ સર્કલ, આશાબા પુલ સુધી જતાં કે આવતા ભારે વાહનોને રોકી શકતા નથી. જો સ્પષ્ટ જાહેરનામું બહાર પડાય તો જ આ સમસ્યાનો નિવારણ આવી શકે તેમ હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું હતું.
ટ્રક એસો.ની પણ મિટિંગ મળી, ટ્રકો રસ્તા પર છોડી દેવાનું નક્કી કર્યું
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જે રીતે સ્થાનિકો મિટિંગ કરી નિર્ણયો કરે છે અને પોલીસ પર દબાણ કરી રહ્યા છે તેવી જ રીતે ટ્રક એસોસિએશનની પણ મિટિંગ મળી હતી. જેમાં એવું નક્કી કરાયું હતું કે જાહેરનામામાં જેની મનાઈ નથી તેવો માર્ગ કળશ સર્કલથી યોગેશ્વર ચાર રસ્તા થઈ ચિત્રકૂટ સર્કલ થઈ ગાંધીધામ તરફ જો જવા દેવામાં નહીં આવે તો રતનાલથી કળશ સર્કલ સુધીના માર્ગ પર રોડ પર જ ટ્રક છોડી દેવામાં આવશે અને પોલીસનો વિરોધ કરવામાં આવશે. આ જોતાં હાલે પોલીસની સૂડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ હોય તેવું લાગી રહ્યું છે.