Sabar Dairy Big Decision : સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી રિટેઈન મની એટલે કે ભાવ ફેરની રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજૂઆતો કરાઈ હતી. હવે ડેરીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોના હિતમાં મોટો નિર્ણય લેતા રૂ. 258 કરોડની નવ મહિનાની ભાવફેરની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. 11 જુલાઈએ દૂધ મંડળીઓને દૂધ બિલમાં આ રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો છે, જેનો સાડા ત્રણ લાખ પશુપાલકોને લાભ મળશે. આ સમાચાર પછી પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ છે.
આ અંગે સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકો માટે ખેતી બિયારણ ખરીદી, બાળકોની શિક્ષણ ફી જેવી જરૂરિયાત માટે વર્ષના અંતે સાબર ડેરી દ્વારા અપાતી ભાવ ફેરની રકમ ચૂકવવાની રજૂઆતો મળી હતી. જે અંતર્ગત સાબર ડેરી દ્વારા કાયદાકીય સલાહ સૂચનો મેળવીને જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરેલી એપ્રિલ 2023થી ડિસેમ્બર 2023 સુધીના નવ મહિનાની ભાવ ફેરની રકમ આપવાનો નિર્ણય લીધો છે.
નવા ચૂંટાયેલા નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકોને રાહત મળે તે હેતુથી જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરાયેલી રકમ તાત્કાલિક ચૂકવવાની મેનેજિંગ ડિરેક્ટરને સત્તા હોય છે.
બીજી તરફ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકોને આ નવ મહિનાની રૂ. 258 કરોડની રકમ દૂધ મંડળીઓને દૂધ બિલમાં ચૂકવાશે. પહેલી જાન્યુઆરી 2024થી 31 માર્ચ 2024ના સમયગાળાની ત્રણ મહિનાની ભાવ ફેરની રકમ તથા આખા વર્ષની વાર્ષિક ચૂકવવા પાત્ર રકમ બંને આગામી ટૂંકા સમયગાળામાં ચૂકવાશે તેમ પણ ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું.