Geni ben Thakor News | લોકસભા ચૂંટણીના પરિણામ આ વખતે દરેક માટે ભારે ઉત્સુકતા જગાવનારા રહ્યા. આ દરમિયાન ગુજરાતના પરિણામ તો ચોંકાવનારા આવ્યા કેમ કે અહીં ભાજપ સતત ત્રીજી વખત 26-0થી ક્લિન સ્વિપ કરતાં રહી ગયું અને તે એકમાત્ર બેઠક હાર્યું એ છે બનાસકાંઠા. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે મજબૂત પ્રદર્શન કરતાં ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે તેમના જ માટે એક સત્કાર સમારોહ યોજાયો હતો જ્યાં ગેનીબેને તેમના લોકસભાના અનુભવો પણ વર્ણવ્યા હતા.
શપથગ્રહણનો કિસ્સો જણાવ્યો
બનાસની બેન ગેનીબેન તરીકે જાણીતા થયેલા ગેનીબેન ઠાકોરે સત્કાર સમારોહને સંબોધતાં કહ્યું હતું કે જ્યારે હું લોકસભામાં શપથ લેવા માટે ગઈ હતી ત્યારે લોકો મારી તરફ આંગળી ચીંધીને કહી રહ્યા હતા કે ‘દેખો વો મોદી કે ગઢ મેં જીત કે આઈ હૈ…’ ભાજપને આડેહાથ લેતા ગેનીબેને કહ્યું કે લોકસભા ચૂંટણી વખતે અમે ગાંધીજીની વિચારધારાને અનુસરી રહ્યા હતા ત્યારે અમારો સામનો નોટરૂપી ગાંધીજી થઈ રહ્યો હતો પરંતુ છેવટે વિજય તો સત્યનો જ થયો.
રાહુલ ગાંધી વિશે શું કહ્યું?
સંબોધનમાં ગેનીબેને આગળ કહ્યું કે ગુજરાતમાં લોકસભાની એક બેઠક જીતતાં જ રાહુલ ગાંધીને હિંમત આવી ગઇ અને તેમણે 543 સાંસદોની હાજરીમાં લોકસભામાં જ વડાપ્રધાન સામે આંગળી ચીંધી અને ચેલેન્જ આપી કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે રાહુલ લોકસભામાં ગર્જના કરે એટલે સામે વાળાએ 5-5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. અમને તો એ જોવાની મજા આવે છે. અને જાણે રાહુલ ગાંધી જ વડાપ્રધાન હોય એવું લાગે છે.
મને હિંસા માટે તલવાર નહોતી અપાઈ
ગેનીબેને સમારોહમાં કહ્યું હતું કે આજે મને જે તલવાર આપવામાં આવી છે તે કોઈ હિંસા કરવા નહીં પરંતુ કોઈ ખોટું કરતું હોય અને ગાંધીજીના બતાવેલા વિકલ્પોથી પણ ન સમજે તો તેમને તેમની જ ભાષામાં સમજાવવા માટે આપવામાં આવી છે.
કોણ કોણ આવ્યું કાર્યક્રમમાં?
આ કાર્યક્રમમાં એઆઈસીસીના ઈન્ચાર્જ અને સાંસદ મુકુલ વાસનિક, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ લીડર અમિત ચાવડા સહિત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. ગેનીબેન ઠાકોરે અહીંથી લોકસભાના અનુભવો વર્ણવવાની સાથે જ ભાજપ સામે સીધા પ્રહાર કર્યા હતા અને રાહુલ ગાંધી દ્વારા આગામી ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવાના વચનનું પુનરાવર્તન કર્યું હતું.