Patholes in Surat : સુરતમાં ચોમાસાની સાથે-સાથે રસ્તા તૂટવા અને ભુવા પડવાનું શરૂ થયું છે જોકે, આ ભુવાનો વિરોધ કરવામાં લોકસભામાં કોંગ્રેસ-આપનું ગઠબંધન હતું તેવું જોવા મળી રહ્યું છે. જે રીતે પુણામાં પડેલા ભુવામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપના ઝંડા રોપીને વિરોધ કર્યો હતો તેની કોપી કરીને આજે આપે પણ વરાછામાં પડેલા ખાડામાં ભાજપના ઝંડા રોપીને વિરોધ પ્રદર્શન કર્યું છે.
સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે પડ્યો ભૂવો આખે આખી ફોરવીલ અંદર જાય તોય જગ્યા વધે એટલો મોટો પડ્યો હતો. પાલિકા કામગીરી કરે તે પહેલાં સ્થાનિકો પહોંચી ગયા હતા અને આડાસ મુકી દીધી હતી. હવે લોકો ભુવા થી એટલા બધા કંટાળી ગયા છે કે આ વિસ્તારના કોંગ્રેસના નેતાઓએ પડેલા ભુવામાં ભાજપના ઝંડા મુકીને આ ભુવા ભાજપના ભ્રષ્ટાચારના ભુવા છે તેવો આક્ષેપ કરી દીધો છે.
કોંગ્રેસના નેતાઓના આ વિરોધ બાદ તેની કોપી આપના કોર્પોરેટરે કરી છે. આજે વરાછા ઝોનના મમતા પાર્કથી રચના સર્કલ સુધી કાપોદ્રા વિસ્તારમાં ખાડા પડ્યા છે તેનો વિરોધ આપના કોર્પોરેટર સેજલ માલવીયાએ ભાજપના ઝંડા લગાવી કર્યો છે. આપના કોર્પોરેટરે આ ખાડા પર ઝંડા લગાવીને 30 વર્ષના ભાજપના વિકાસના ખાડા છે તેવો આક્ષેપ કર્યો છે.