Fire in Silvassa : સેલવાસના દાદરા ખાતે આવેલી કંપનીમાં ગઇકાલે બુધવારે રાત્રે અચાનક આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
સેલવાસના દાદરા ખાતે પ્લાસ્ટિક પેઈલ્સ અને કેરેટ્સનું ઉત્પાદન કરતી વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઈવેટ.લી. નામક કંપની આવેલી છે. ગઇકાલે બુધવારે રાત્રે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિક રોમટીરિયલને કારણે આગ વધુ તીવ્ર બનતા કંપનીને લપેટમાં લઇ લેતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. આગની જ્વાળા દૂર દૂર સુધી આકાશમાં ફેલાય જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
કંપનીમાં લાગેલી ભિષણ આગને લઇ મેજર કોલ જાહેર કરાયો હતો. ઘટનાની જાણ થતા સેલવાસ, વાપી સહિતના ફાયર બ્રિગેડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ ભિષણ આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. પોલીસની ટીમ પણ કંપની પર દોડી ગઇ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ વિગત બહાર આવી નથી.પણ એફએસએલની રીપોર્ટ બાદ સ્પષ્ટ કારણ બહાર આવી શકશે. આગને કારણે કંપનીને ભારે નુકસાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો છે.