‘રીલ કી રાણી’ પૂર્વ કોન્સ્ટેબલ હવે કચ્છ પોલીસની રીલ ઉતારે છે
હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ કેમ નજર રાખી શકી નહીઃ કચ્છથી પાલનપુર સુધી પોલીસના ધામા, મોબાઈલ ફોન રહસ્યો ખોલશે
ભુજ: પોલીસ પર ગાડી ચડાવી દેવાના ચકચારી બનાવમાં સંડોવાયેલ ફરજ મોકુફ પોલીસ કર્મચારી નિતા ચૌધરી હજુ પોલીસના હાથમાં આવી શકી નથી ત્યારે પોલીસે ગમે તે ભોગે પકડી પાડવા ચક્રી ગતિમાન કરી કચ્છથી શરૂ કરી નીતાના વતન પાલનપુર સુધી પોલીસ તપાસ કેન્દ્રિત કરાઈ છે. બીજી તરફ, ભૂગર્ભ ઉતરી ગયેલી પૂર્વ મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મિલકતો અને સંપર્કો અંગે પણ પોલીસે ઊંડાણભરી તપાસ શરૂ કરી છે. નીતાના મોબાઈલ ફોન અનેક રહસ્યો ખોલી નાંખશે.
૩૦ જુનના ભચાઉ તાલુકાના ચોપડવા નજીક પોલીસ પર થાર જીપ ચડાવી દેવાના પ્રયાસના બનાવમાં નામચીન બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને સી.આઈ.ડી.માં ફરજ બજાવતી નિતા ચૌધરીની ધરપકડ કરાઈ હતી બન્ને વિરૂદ્ધ પ્રોહિબીશન અને હત્યાની કોશિષનો ગુનો ભચાઉ પોલીસ મથકે નોંધાયો હતો.
આ સમગ્ર કેસમાં નીતા ચૌધરીના હુમલા કેસમાં જામીન રદ થયા હતા, ત્યારે વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. નીતા ચૌધરીને અટકમાં લેવા પોલીસ આદિપુર પોલીસ લાઈન તેના ઘરે તેમજ પાલનપુર તપાસ અર્થે ગઈ હતી પણ તેણીનો પતો મળ્યો ન હતો.
હાલ નીતા ચૌધરીને પકડવા માટે એલસીબી, એસઓજી તેમજ સ્થાનીક પોલીસ ટીમ તમામ જગ્યાએ તપાસ કરીરહી છે. આ ઉપરાંત પાલનપુર પોલીસને પણ જાણ કરાઈ છે. હાલ સમગ્ર કેસમાં નીતા ચૌધરીના વૈભવી જીવનને લઈન અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે પોલીસે આ કેસમાં તેની પાસે કેટલી મિલ્ક્ત છે તે મિલ્કત કયાથી આવી છે.
તે તમામ પાસા તપાસવામાં આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમમાં ફરજ પર હતી ત્યારે તે કોના સંપર્કમાં હતી તે તેણીના કોલ ડીટેઈલ તપાસવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસને મહત્વના નંબરો મળ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ એક બાબત એ પણ છે કે જ્યારે તેણીની જામીન અરજી નામંજુર કરાઈ હતી ત્યારે તે ભાળી જતાં નાસી ગઈ હતી ત્યારે પોલીસે તેના પર વોચ કેમ ન ગોઠવી તે એક સવાલ છે. નીતા ચૌધરીનો કેસ હાલ ચર્ચાસ્પદ છે તેમજ રાજ્યના ગૃહ વિભાગ પણ આ કેસમાં નજર રાખી રહ્યું છે ત્યારે પોલીસ કેમ બેદરકાર બની શકે તે સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. હાલ નીતા ચૌધરી છે તો કયા છે ? કોઈ મોટા નેતાએ આશ્રય આપ્યો છે કે શું અનેક સવાલ હાલ ચર્ચાના એરણે પહોંચ્યા છે.