નવી સુંદરપુરીના વેપારીએ કોરોના અને ઘરમાં બિમારીના કારણે કુલ ૨૨. ૩૦ લાખ રૂપિયા પાંચથી દસ ટકાના વ્યાજે મેળવ્યાં હતાં
ગાંધીધામ: વ્યાજે પૈસા લીધા પછી તેના ચૂકવણાં કરવા જતાં વ્યક્તિ વ્યાજના વિષચક્રમાં એવાં ફસાઈ જાય છે કે, જીંદગી દુષ્કર બની જાય છે. આવા જ એક કિસ્સામાં ગાંધીધામનાં નવી સુંદરપુરીમાં દૂધના વેપારીએ કોરોના અને ઘરમાં બિમારી માટે એક વખત વ્યાજે પૈસા લીધા પછી એક પછી એક નવ વ્યાજખોર પાસેથી પૈસા મેળવ્યાં હતાં. કુલ ૨૨.૩૦ લાખ રૂપિયા મેળવ્યાં તે નાણાંનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં આરોપીઓ વ્યાજનું વ્યાજ ચઢાવી સતત પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપતાં ૯ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા ૪૬ વર્ષીય દિનમોહમ્મદ હાસમ રાયમાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી દૂધનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. કોરોના અને ઘરમાં બીમારીના કારણે ફરિયાદીને ચારેક લાખ રૂપિયાની જરૂર ઊભી થતાં પાંચ વર્ષ અગાઉ તેણે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલાં ચેતન ગઢવીને વાત કરી હતી. જેથી ચેતને પ ટકાના વ્યાજે ૧ લાખ રૂપિયા તથા ચેતનના ઓળખીતા હાદક ગઢવી પાસેથી રોજ ૧ હજાર રૂપિયા ૧૦૦ દિવસની અંદર ચૂકવવાની શરતે ૧ લાખ રૂપિયા મેળવ્યાં હતા. જેમાંથી હાદકે એડવાન્સમાં ૨૦ હજાર રૂપિયા કાપીને ૮૦ હજાર રૂપિયા આપ્યાં હતા તથા હરીભા ગઢવી પાસેથી પાંચ ટકા લેખે પ૦ હજાર રૂપિયા મેળવ્યાં હતાં. વ્યાજના વિષચક્રમા ફસાતો ગયો ધંધામાં મંદી વચ્ચે ફરિયાદી આરોપીઓને વ્યાજ ચૂકવતો હતો પરંતુ આરોપીઓ પઠાણી ઉઘરાણી કરતાં રહેતાં હોઈ ફરિયાદીએ જગદીશ ગઢવી નામના શખ્સ પાસેથી રોજના ૧૨૦૦ રૂપિયા લેખે ૧૦૦ દિવસમાં ૧.૨૦ લાખ ચૂકવી દેવાની શરતે ૧ લાખ રૂપિયા વ્યાજે મેળવ્યા હતા. બાદમાં જગદીશ પાસેથી વધુ ૮ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતાં. પછી તો ફરિયાદી વ્યાજના વ્યાજના વિષચક્રમાં ફસાતો ગયો હતો. ફરિયાદીએ રોજના ૨૫૦૦ આપવાની શરતે મનીષ રામચંદાની પાસેથી ૨.૫૦ લાખ, રોજના ૩૫૦૦ ચૂકવવાની શરતે રાજુભાઈ નામના શખ્સ પાસેથી ૩.૫૦ લાખ, માસિક પાંચ ટકા વ્યાજે યોગરાજસિંહ વાઘેલા પાસેથી બે લાખ, માસિક ૧૦ ટકા વ્યાજે ભુરાભાઈ ભરવાડ પાસેથી ૧ લાખ અને દર મહિને મૂડીના ૨૦ હજાર અને વ્યાજના ૭ હજાર પેટે ૨૭ હજાર ચૂકવવાની શરતે મનુ વજા ભરવાડ પાસેથી બે લાખ રૂપિયા મેળવ્યાં હતાં. રાજુભાઈ નામના શખ્સ પાસેથી ૩.૫૦ લાખ, માસિક પાંચ ટકા વ્યાજે યોગરાજસિંહ વાઘેલા પાસેથી બે લાખ, માસિક ૧૦ ટકા વ્યાજે ભુરાભાઈ ભરવાડ પાસેથી ૧ લાખ અને દર મહિને મૂડીના ૨૦ હજાર અને વ્યાજના ૭ હજાર પેટે ૨૭ હજાર ચૂકવવાની શરતે મનુ વજા ભરવાડ પાસેથી બે લાખ રૂપિયા મેળવ્યાં હતાં. આ રીતે વ્યાજનું વ્યાજ ભરવામાં ફરિયાદી સતત એક પછી બીજા પાસેથી વ્યાજે નાણાં મેળવતો રહ્યો હતો અને મેળવેલા ૨૨.૩૦ લાખ રૂપિયા સામે વધુ નાણાં ચૂકવ્યાં છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સતત ચાલું રહી છે. તેમના ત્રાસથી કંટાળીને ફરિયાદી ચોથી જૂલાઈએ ગાંધીધામ છોડીને ઉજ્જૈન અને મુંબઈ જતો રહ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે તમામ નવ સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.