સ્થાનિક તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃતિના કારણે
અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતાં તંત્ર સામે રોષ, વરસાદ પછી રસ્તાની સ્થિતી વધુ વણસી
ભુજ: ભુજ શહેરના સ્ટેશન રોડ પર વરસાદના કારણે મસમોટા ખાડાઓ પડવાના કારણે રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે. પેટ્રોલ પંપથી ભીડ નાકા ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ બન્યાના ગણતરીના મહિનામાં જ તૂટી ગયો હતો. તેવામાં વરસાદ પછી મસમોટા ગાબડા ખાડા પડી જવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે. જેના કારણે તાકિદે રીપેરીંગ થાય તેવી વાહન ચાલકોની માંગ છે. આ માર્ગ ખુબ જ ખરાબ ેહોતા અકસ્માત થવાની સંભાવના છે. છેલ્લા એક દોઢ વર્ષથી માર્ગની તસ્દી ન લેવાતા નાના મોટા તમામ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, ભુજમાં સામાન્ય વરસાદ પછી બીજા પણ માર્ગો પર ખાડાઓ પડયા છે. જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પણ રસ્તાની મરંમત માટે ચિંતા દાખવે તે જરૂરી છે.
ભુજના આ સ્ટેશન રોડની બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે અંગે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહિ આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ સ્ટેશન રોડ હાલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં તેમજ ઉબડ ખાબડ હોવાથી શહેરી વિસ્તારના લોકો ઉપરાંતના વાહનચાલકો, નોકરિયાતો, માધાપર જતા તેમજ માર્કેટયાર્ડ જતા ચાલકોને હાલાકી પડી રહી છે અને બિસ્માર રસ્તાને કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાનો પણ ભય રહે છે. ૧૦૮ એમ્બ્યુલન્સને પણ પસાર થતા વાર લાગે છે જેના કારણે દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલ સુધી લઈ જવામાં મુશ્કેલી પડે છે. સ્થાનિક તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર વૃતિના કારણે હલકી ગુણવત્તાના રસ્તાઓ બનાવતા વારંવાર બિસ્માર બની જતા પ્રજાજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં આવે અને નવો રસ્તાઓ બનાવવામાં આવે તેવી માંગ છે.