– મૂળ અંધેરીના શૈલ ઉર્ફે સાહીલ ઉર્ફે દિનેશ ઉર્ફે શૈલેષ ઉર્ફે રામ શેઠે વિવર પાસેથી 11 વેપારીને ગ્રે કાપડ અપાવ્યું હતું
– દલાલ વિરુદ્ધ પોણા ચાર વર્ષ અગાઉ સરથાણા પોલીસ મથકમાં પણ ખોટી ઓળખ આપી અને અન્યનો જીએસટી નંબર આપી લસકાણાના વિવર સાથે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી
સુરત, : સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા અને લસકાણામાં લુમ્સના કારખાના ધરાવતા વિવર સાથે રૂ.1.45 કરોડની ઠગાઈના ગુનામાં ઈકો સેલે મૂળ મુંબઈના દલાલની ધરપકડ કરી છે.દલાલ વિરુદ્ધ પોણા ચાર વર્ષ અગાઉ સરથાણા પોલીસ મથકમાં પણ ખોટી ઓળખ આપી અને અન્યનો જીએસટી નંબર આપી લસકાણાના વિવર સાથે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉત્રાણ આદિત્ય બંગ્લોઝ પ્લોટ નં.69 માં રહેતા અને લસકાણા શ્રીકૃષ્ણા ઈન્ડસ્ટ્રીઝમાં લુમ્સના કારખાના ધરાવતા 47 વર્ષીય બિપીનભાઇ ગોરધનભાઇ ગાબાણી પાસેનો પરિચય કાપડ દલાલ સાહીલ ભરત શેઠ સાથે થયો હતો.સાહીલે બાદમાં તેમની ઓળખાણ રીંગરોડ રોયલ ટ્રેડીંગ ટાવરમાં ક્રિષ્ણા ફેબ્રીકસના નામે દુકાન ધરાવતા રાજેશકુમાર શ્રીરામગોપાલ શર્મા સાથે કરાવી હતી.તેમની પેઢીના વહીવટકર્તા કૌશિકભાઈ હોય તેમની સાથે વેપાર કરું છું કહી રાજેશકુમારે 45 દિવસમાં પેમેન્ટનો વાયદો કરતા બિપીનભાઈએ તેમને ગ્રે કાપડનો માલ આપ્યો હતો અને તેનું પેમેન્ટ પણ તેમને સમયસર મળ્યું હતું.ત્યાર બાદ જુલાઈથી ઓગષ્ટ 2023 દરમિયાન દલાલ સાહીલ શેઠ અને વેપારી રાજેશ શર્માએ અન્ય 10 વેપારીઓને રાજેશ શર્માની દુકાને બોલાવી ઓળખાણ કરાવી હતી.
તમામને જુલાઈ 2023 થી ફેબ્રુઆરી 2024 દરમિયાન બિપીનભાઈએ કુલ રૂ.1,45,33,398 નું ગ્રે કાપડ મોકલ્યું હતું.જોકે, તેમણે નિર્ધારીત સમયમર્યાદામાં પેમેન્ટ કરવાને બદલે વાયદા કર્યા હતા અને બાદમાં તમામની દુકાન અને મોબાઈલ ફોન બંધ થઈ ગયા હતા.દલાલ સાહીલ શેઠનો સંપર્ક થતા તેની પાસે ઉઘરાણી કરી તો તેણે ગાળાગાળી કરી પેમેન્ટ નહી મળે, તારાથી થાય તે કરી લે, હવે પછી પેમેન્ટ માટે ફોન કર્યો છે તો તારા હાથ ટાટીયા તોડી નાખીશ, તને પુરો કરી દઇશ, હવે મને ફોન કરવો નહી જેવી ધમકીઓ આપી હતી.આ અંગે બિપીનભાઈએ કરેલી અરજીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તમામ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તપાસ ઈકો સેલને સોંપી હતી.
ઈકો સેલે આ ગુનામાં ગતરોજ દલાલ શૈલ ઉર્ફે સાહીલ ઉર્ફે દિનેશ ઉર્ફે શૈલેષ ઉર્ફે રામ ભરતભાઇ શેઠ ( ઉ.વ.26, રહે.ઘર નં.ડી/401, ન્યુ સુંદર પાર્ક, વિરા દેસાઇ રોડ, જીવનનગર, અંધેરી ( વેસ્ટ ), મુંબઇ. તથા ઘર નં.એ/201, કલાકૃતી, ચંદનવન-2, મજુરાગેટ, સુરત ) ની ધરપકડ કરી હતી.દલાલ સાહીલ શેઠ વિરુદ્ધ પોણા ચાર વર્ષ અગાઉ સરથાણા પોલીસ મથકમાં પણ ખોટી ઓળખ આપી અને અન્યનો જીએસટી નંબર આપી લસકાણાના વિવર સાથે રૂ.21.20 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.