રાજપીપલા તા.૧૫ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. ચોમાસામાં નિયત કરાયેલા રૃલ લેવલને જાળવવા આજે સવારે ૧૧ વાગ્યાની પરિસ્થિતિએ આ ડેમની સપાટી ૧૦૫.૭૨ મીટર પહોંચી હતી.
તા.૧ ઓગસ્ટ દરમિયાન ડેમની સપાટીને ૧૦૭.૫૫ મીટરનો રૃલ લેવલ જાળવવા માટે આજે બપોરે ૧૨ વાગે આ ડેમના બે દરવાજાને ૨.૮૦ મીટર (૨૮૦ સે.મી.) ખોલીને કરજણ નદીમાં અંદાજિત ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે.
નોંધનીય છે કે, ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે ૨૨ હજાર ક્યૂસેક પાણીની આવક છે. ડેમ હાલમાં ૫૯.૯૯ ટકા જળરાશીથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીનાં કારણે રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર અને ધમણાચાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.