રાજપીપલા તા.૧૫ નર્મદા જિલ્લામાં આજે સવારે ૬થી બપોરે ૧૨વાગ્યા દરમિયાન માત્ર ૬ કલાકમાં સૌથી વધુ ગરૃડેશ્વર તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો હતો. નાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં ૧૨૯ મિમી, તિલકવાડા તાલુકામાં ૮૭, દેડિયાપાડા તાલુકામાં ૨૩ મિમી વરસાદ નોંધાયો હતો. સાગબારા તાલુકો કોરો રહ્યો હતો.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો નાંદોદ તાલુકો ૪૬૩ મિમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો ૪૨૩ મિમી સાથે દ્વિતિય સ્થાને, દેડિયાપાડા તાલુકો ૩૮૪ મિમી સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો ૩૫૦ મિમી સાથે ચોથા અને ગરુડેશ્વર તાલુકો ૨૮૯ મિમી સાથે પાંચમા સ્થાને છે. આ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૩૮૧.૮૦ મિમીવરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૧૯.૭૮ મીટર, કરજણ ડેમ-૧૦૩.૮૯ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૧.૩૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૦.૦૦ મીટરની સપાટી છે. નર્મદાજિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.તમામ તાલુકાઓમાં આજે સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નર્મદાનાં નાંદોદ તાલુકાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું ગયું હતું. આ ગામ માં ઠેરઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લાછરસ ગામમાં કેડથી છાતી સુધી ગામમાં પાણી ભરાઈ ગયા હતા. ગાડીઓપણ તણાઈ હતી અને ઘરોમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા પાણીના નિકાલ માટે જહેમત ઉઠાવતા ગ્રામજનોનજરે પડયા હતાં. પાણી ફરી વળતા પશુઓની દયનીય સ્થિતિ સર્જાઈ હતી. લાછરસ ગામમાં અતિશય પાણીના પગલે સસ્તા અનાજ દુકાનમાં પણ પાણી ભરાતા દુકાનમાં રખાયેલો પુરવઠો પલળી ગયો હતો.