વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલા જિમમાં પોલીસે દરોડો પાડી લોકરમાંથી છ કારતૂસ સાથે રિવોલ્વર કબજે કરી આર્મ્સ એક્ટના ગુના હેઠળ એક ટ્રાન્સપોર્ટર સામે ગુનો નોંધ્યો છે.
ગોત્રીના કૃણાલ ચાર રસ્તા પાસે સિગ્નેટ પ્લાઝા ખાતે આવેલી ફ્લાય ફિટ નામની જિમના એક લોકરમાં રિવોલ્વર રાખવામાં આવતી હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડયો હતો.જિમ સંચાલક સતિષ પિલ્લેનો સંપર્ક કરી પોલીસે લોકર ચેક કરતાં રિવોલ્વર અને છ કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસે લોકરનો ઉપયોગ કરતા સુખવેન્દરસિંગ અવતારસિંગ પુરેવાલ(ટીપી- ૧૩,છાણી જકાતનાકા)ની પૂછપરછ કરતાં તેણે આ રિવોલ્વર ત્રણ વર્ષથી રાખતો હોવાની વિગતો ખૂલી હતી.
પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સુખવેન્દરસિંગે આ રિવોલ્વર આઠ વર્ષ પહેલાં ગોલ્ડન ચોકડી પાસેથી એક શીખ વ્યક્તિ પાસેથી રૃ.૮ હજારમાં ખરીદી હોવાની વિગતો ખૂલી હતી.પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.