અમદાવાદ,સોમવાર
ગોમતીપુરમાં રહેતી સગર્ભા પિયરમાં રહેવા માટે આવી હતી. ગઇકાલે માતાના મકાનમાં બાથરૃમમાં સ્નાન કરવા માટે ગઈ હતી. આ સમયે બાથરૃમની બારીમાંથી મોબાઈલ વડે કોઈ તેનો વિડિયો ઉતારતો હોય તેવું મહિલાને લાગતા તેણે બારીમાં જોતા પાડોશી શખ્સ હોવાનું સામે આવ્યું હતું આ બનાવ અંગે મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુર પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
ગોમતીપુરમાં રહેતી અને બી. કોમ. સુધીનો અભ્યાસ કરેલી ૨૩ વર્ષની મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના વિસ્તારમાં જ બે વર્ષ પહેલા લગ્ન થયા હતા, હાલમાં મહિલા સગર્ભા હોવાથી પિયરમાં રહેવા માટે આવી હતી. ગઇકાલે રવિવારે સાંજે મહિલા બાથરૃમમાં સ્નાન કરવા માટે ગઈ આ સયયે બાથરૃમની બારીમાંથી કોઈ તેનો વિડીયો ઉતારી રહ્યો હોવાનું યુવતીને ધ્યાને આવ્યું હતું.
જેથી મહિલાએ બારીમાં જોતા પાડોશમાં આવેલી ચાલીમાં રહેતો યુવક દેખાયો હતો. જેથી બુમાબુમ કરતા પરિવારના લોકો એકઠા થતા આરોપી નાસી ગયો હતો ત્યારબાદ યુવતી અને તેના પરિવારના સભ્યો આરોપીના ઘરે ગયા હતા પરંતું તે ઘરે હાજર મળી આવ્યો ન હતો. આ ઘટના અંગે મહિલાએ પાડોશી શખ્સ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.