Chandipura Virus in Gujarat : હાલ સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસના લીધે ફફડાટ વ્યાપી ગયો છે. હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે, આ વાઈરસના કારણે અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે, તો અન્ય બે બાળકોમાં શંકાસ્પદ વાઈરસના લક્ષણો મળી આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 કેસ નોંધાયા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘ચાંદીપુરા એન્કેફેલાઈટિસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી જોઇએ. આ કોઇ નવો રોગ નથી. સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે.’
ચાંદીપુરા વાઈરસ વેકટર -અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય (રેત માખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લો એવી પણ રાજ્ય સરકારે સલાહ આપી છે.
આધુનિક ઓપ આપવા સચિવાલયમાં ફરી રિનોવેશન : આગળના 100 કરોડનો ખર્ચ માથે પડશે
અત્યાર સુધી 12 શંકાસ્પદ કેસ મળી આવ્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે, જેમાંથી 6 દર્દી હાલ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં 4, અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ નોંધાયા છે, તો રાજસ્થાન 2 અને મધ્ય પ્રદેશના એક દર્દીએ પણ આ વાઈરસના ઈન્ફેક્શન પછી ગુજરાતમાં સારવાર મેળવી છે. આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામ શંકાસ્પદ દર્દીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ 12 દિવસમાં આવી જશે. આ રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાઇસરના કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે.
ગભરાવવાની નહી પરંતુ સાવચેતી જરૂરી
ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. પરિણામે અત્યાર સુધી કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગ અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. અત્યારે લોકોએ આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂર રાખવાની જોઇએ. પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવી જોઇએ.
અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા
1965 માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો પ્રથમ કેસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં મહારાષ્ટ્ર રાજ્યમાં ચાંદીપુરા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ આ રોગના દર્દીઓ નોંદાયા. ગુજરાતમાં દર વર્ષે આ રોગના કેસ જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર-મધ્ય ગુજરાતના જિલ્લામાં આ રોગના કેસ નોંધાયા છે.