ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે
વસ્ત્રાપુરના બે મિત્રો ગીયોડથી ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના : ચિલોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા બ્રિજ ઉપર ગઈકાલે બપોરના સમયે
વસ્ત્રાપુરનો યુવાન મિત્ર સાથે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક
ડિવાઇડર સાથે અથડાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર મોત થયું હતું.
જ્યારે તેના ઘાયલ મિત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર
અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા બ્રિજ ઉપર ગઈકાલે બપોરે
સર્જાયેલા હજી એક અકસ્માતમાં અમદાવાદના યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના વાપુર ખાતે રહેતો યુવાન હિંમતસિંહ
જીવણસિંહ રાજપુત ગઈકાલે તેનું બાઈક લઈને મિત્ર સાથે નરોડા તરફ જઈ રહ્યો હતો તે
દરમિયાન ચિલોડા બ્રિજ ઉપરથી બાઈક પસાર થઈ રહ્યું હતું એ વખતે સ્ટિયરિંગ ઉપરનો કાબુ
ગુમાવતા બાઈક રોડ ડીવાઇડર સાથે અથડાયું હતું અને બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા.
જેમાં હિંમતસિંહના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માતની
ઘટનાને પગલે અહીંથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ થંભી ગયા હતા અને ઘાયલ યુવાનને
સારવાર માટે ખસેડયો હતો. બીજી બાજુ અકસ્માતની આ ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ થતા
પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરતા સભ્યો ઘટના
સ્થળે આવી ગયા હતા અને ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો
હતો જ્યાં તેના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરી હતી.