વડોદરાઃ યુવકના પ્રેમમાં પડેલી યુવતીએ નારાજ કુટુંબીજનોને માંડમાંડ મનાવ્યા બાદ એક વર્ષમાં જ પ્રેમલગ્નમાં ભંગાણ પડતાં યુવતીએ ડીવોર્સ લીધા હતા.પરંતુ ત્યારપછી પણ પતિએ હેરાનગતિ ચાલુ રાખતાં આખરે યુવતીએ ઓફિસના સ્ટાફ તેમજ અભયમની મદદ લીધી હતી.
ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી એક યુવકના પ્રેમમાં પડતાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.પરંતુ યુવતીનો પરિવાર તૈયાર નહિં હોવાથી લગ્નમાં વિધ્ન સર્જાય તેમ હતું.આખરે યુવતીએ માંડમાંડ કુટુંબીજનોને મનાવતાં લગ્ન માટે તેઓ સંમત થયા હતા.
પરંતુ એક વર્ષમાં જ યુવક બદલાઇ ગયો હતો.તેણે કામધંધો છોડી દીધો હતો અને પત્નીને હેરાન કરવાનું શરૃ કર્યું હતું.પતિનો ત્રાસ સહન નહિં થતાં નાછૂટકે યુવતીએ ડીવોર્સ નું પગલું લીધંય હતું અને છૂટા પડી નોકરી કરી ગુજરાન ચલાવી રહી હતી.
પરંતુ યુવક તેનો પીછો છોડવા તૈયાર નહતો.તે વારંવાર ધમકીઓ આપતો હતો.યુવતીની નોકરીના સ્થળે જતો રહેતો હતો અને ત્યાં પણ ધાંધલ મચાવતો હતો.બે દિવસ પહેલાં આવી જ રીતે યુવકે ઓફિસે આવી ધમાલ કરી હતી.તેણે પત્નીને કહ્યું હતું કે,હું તને કાં તો મને નુકસાન પહોંચાડીશ.તને ઘેર જવા નહિં દઉં.તેણે ગાળો ભાંડીને યુવતીને ઓફિસમાંથી બહાર ખેંચી જવાનો પ્રયાસ કરતાં યુવતીની ઓફિસનો સ્ટાફ મદદે આવ્યો હતો.
અભયમને બનાવની જાણ કરાતાં યુવકનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજ આપી હતી.જેથી તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હવે પછી ક્યારેય હેરાન નહિં કરે તેવું લખાણ આપતાં હાલપુરતું સમાધાન થયું છે.