ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી
બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી : કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા
ગાંધીનગર : દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ થઈ જવા
મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી ત્યારે જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના
શખ્સ સહિત આઠ વ્યક્તિઓ સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયા બાદ
ગાંધીનગર એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી અને બે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં
આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જ
આખેઆખો વેચાણ દસ્તાવેજ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી. દહેગામ સબ રજીસ્ટ્રાર તરીકે
ફરજ બજાવતા વિશાલ મણીભાઈ ચૌધરીની ફરિયાદને આધારે, જુના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના
કાંતાબેન ભીખાજી ઝાલા, કોકીલાબેન
ભીખાજી ઝાલા, વિનોદકુમાર
ભીખાજી ઝાલા, પલીબેન
જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર
જશુજી ઝાલા, નેહાબેન
જસુજી ઝાલા, એક સગીર
વયની દીકરી તેમજ જમીન ખરીદનાર રાજકોટના જસદણના અલ્પેશભાઈ લાલજીભાઈ હિરપરા સામે
ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનાની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપી દેવામાં આવી
હતી અને તેના આધારે પોલીસ દ્વારા બે આરોપીઓ વિનોદ ભીખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર
જશુજી ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા
તેમના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
હતું કે, આરોપીઓએ
જમીન ખરીદનાર જસદણના અલ્પેશ હિરપરા પાસે બે કરોડ રૃપિયામાં આ જમીનનો સોદો નક્કી
કર્યો હતો અને જે પૈકી ૩૦ લાખ રૃપિયાનો દસ્તાવેજ કરતા તે રકમ ચેકથી આરોપીઓને
આપવામાં આવી હતી. જ્યારે ૨૦ લાખ રૃપિયા રોકડા પણ આપવામાં આવ્યા હતા. બાકીની રકમ
દસ્તાવેજ થઈ ગયા બાદ પાકી નોંધ પડે ત્યારે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ
પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને જમીન ખરીદનાર શખ્સની પણ
શોધખોળ શરૃ કરી દેવામાં આવી છે.