Image: Facebook
Rakul Preet brother arrested In drugs case: હૈદરાબાદના કોકેઈન રેકેટમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીના ભાઈનું નામ સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે 199 ગ્રામ કોકેઈન જપ્ત કર્યું હતું. બોલિવૂડ અને સાઉથની જે જાણીતી અભિનેત્રીના ભાઈની પોલીસે ધરપકડ કરી છે એ છે રકુલ પ્રીત સિંહ. મામલો પ્રતિબંધિત ડ્રગ્સ ખરીદવા બાબતનો છે. રકુલના ભાઈ અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ છે. જો કે આ કેસમાં પોલીસે કુલ 2.6 કિલો કોકેઇન જપ્ત કર્યું હોવાના અહેવાલ છે.
શું મળ્યું પોલીસને?
પોલીસ એક ફ્લેટ પર દરોડો પાડ્યો જ્યાં અન્ય ખરીદારો સાથે અભિનેત્રીનો ભાઈ પણ મળી આવ્યો. તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગને આ ફ્લેટમાંથી 199 ગ્રામ કોકેઇન મળી આવ્યું છે, જેની કિંમત 35 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે 2 પાસપોર્ટ, 2 બાઈક અને 10 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. રકુલના ભાઈ ઉપરાંત વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ આ તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરશે, ત્યારબાદ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
શું કરે છે અમન પ્રીત સિંહ?
અમન પ્રીત સિંહ સ્ટ્રગલર અભિનેતા છે. તેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. હૈદરાબાદ પોલીસની તપાસમાં કુલ 30 લોકોના નામ ખૂલ્યા છે, જે તમામની પૂછપરછની તૈયારી હાથ ધરાઈ છે. આ પૈકી એક અમન પ્રીત સિંહ છે. પોલીસે એને ચાર નાઇજિરિયન યુવકો પાસેથી ડ્રગ્સ ખરીદતો પકડ્યો હતો.
રકુલ પ્રીત સિંહ પણ સંડોવાઈ હતી ડ્રગ્સના મામલે
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સ કેસમાં ઘણાં નામ ઉછળ્યા હતા. એમાંનું એક નામ હતું રકુલનું. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ ખરીદનારાના નામ જાહેર કર્યા હતા, જેમાં સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ સામેલ હતું. વર્ષ 2022માં ઈડીએ રકુલ પ્રીત સિંહની ડ્રગ્સ મામલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ પૂછપરછ કરી હતી. રકુલ પ્રીત સિંહે 21 ફેબ્રુઆરી 2024ના રોજ જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.