Juna Pahadiya Village : ગાંધીનગરમાં જમીનની વધતી કિંમતો હવે જમીન કૌભાંડ અને જમીન કૌભાંડ કરતાં લોકોની સંખ્યા વધારી રહી છે જેની લાલચમાં હવે ગાંધીનગરના દહેગામના જુના પહાડિયા ગામના અમુક લોકો એ આખા ગામનો સોદો કરી નાખ્યો હતો. આ લોકોએ ધ્વારા ગામ વેચી દેવાનું હોવાની ઘટના બાદ આજે ગાંધીનગર LCB- લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધડપકડ કરી છે.
તારીખ 13 મી જૂનના રોજ જુના પહાડિયા ગામના પૂર્વે મૂળ જમીન માલિક રહેલા અમુક લોકો દ્વારા જમીનના દલાલો સાથે મળીને ખોટા પુરાવા રજૂ કરીને ગામને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પોલીસ ફરિયાદ દાખલ થતાં તપાસ કરવામાં આવી અને 2 જેટલા લોકોની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી અને અન્ય આરોપીઓની તપાસ ચાલુ કરી દીધી છે.
ગાંધીનગર જમીન કૌભાંડ મુદ્દે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના દિવાનસિંહ વાળાએ જણાવ્યું કે આ કેસ મુદ્દે ગાંધીનગર LCB તપાસ કરી રહી છે. જેમાં આજે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના આજે ગાંધીનગર કોર્ટ ખાતે રિમાન્ડ માંગવામાં આવશે. આ સિવાયના 5 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે જેઓ હાલ ફરાર છે.
ગાંધીનગર પોલીસના ડીવાયએસપી એસ એમ ચૌધરીએ જણાવ્યું કે આ ગુનો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે જેમાં જુના પહાડિયા ગામ તે ગામની જગ્યા વેચી મારવાનો ગુનો દાખલ થયેલો જેમાં દહેગામના સબ રજિસ્ટ્રાર મારફતે ફરિયાદ દાખલ થઈ હતી.
આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને ખરીદનાર આરોપીઓ ભેગા મળીને જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં તદ્દન અલગ જગ્યાના ફોટા રજૂ કરી કૌભાંડ કરેલું છે. વેચનાર છે એ પૈકીના વિનોદકુમાર ઝાલા અને જયેન્દ્રકુમાર ઝાલાની ધરપકડ થઈ છે અને તપાસ LCB ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેકટર કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે બે આરોપીઓ ગામના સર્વે નંબરના વારસદારો પૈકીનાં છે, જે તે વખતે ગામ વસ્યું તે ગામ લોકોએ આ જમીન આ લોકો પાસેથી ખરીદી હતી અને તેમના નામ રેકોર્ડ પર ચાલુ હતા તેથી આર્થિક લાભ લેવા આ લોકોએ જમીન વેચી હતી.