સુરત
મહમદ રિયાઝ ઉર્ફે
રાજુ ડોકટર વિરુધ્ધ નારાયણ સાંઈને બોગસ મેડીકલ સર્ટી મેળવવામાં મદદ કરવા અંગે પણ
અમદાવાદ માં પણ ગુનો નોંધાયો છે
એવરગ્રો
ઈન્વેસ્ટર્સ,ઈમેજ ટુર્સ પ્રા.લિ. તથા એવરગ્રો આઈએમ એલએલપી નામે કંપનીમાં રોકાણ કરવાથી
વધુ નફો મેળવવાની લાલચ આપીને રોકાણકારો પાસેથી 41 કરોડ પડાવી
લઈને ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાત અને જીપીઆઈડી એક્ટનો ભંગ કરનાર આરોપીના જામીનની
માંગને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વછાણીએ નકારી કાઢી છે.
સુરત ક્રાઈમ
બ્રાંચમાં એવરગ્રો ઈન્વેસ્ટર્સ,ઈમેજ ટુર્સ પ્રા.લિ. તથા એવરગ્રો આઈએમ,એલએલપી વગેરે કંપનીઓના
એમડી,સીએમડી તરીકે સહઆરોપીઓ સાથે મળીને રોકાણકારોને વધુ નફો આપવાની
લાલચે કુલ રૃ.41 કરોડનું રોકાણ કરાવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચી
જીપીઆઈડી એક્ટનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી.આ કેસમાં સંડોવાયેલા આરોપી મહમદ રીયાઝ
ઉર્ફે રાજુ ડોકટર ઈબ્રાહીમખાન ઐયુબખાન(રે.લેકવ્યૂ બિલ્ડીંગ,નવસારી
બજાર)સુરતની સ્થાનિક અદાલત,હાઈકોર્ટથી માંડીને સુપ્રિમ કોર્ટ
સુધી કરેલી આગોતરા જામીનની માંગને નકારી કાઢવામાં આવી હતી.જેથી આરોપી મહમદ રીયાઝની
ગઈ તા.21-4-24ના રોજ સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી જેલભેગો કર્યો
હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી મહમદ રિયાઝ ખાને નિયમિત જામીન માટે માંગ કરી હતી.જેની
સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે આરોપીની ગુનામાં ખોટી સંડોવણી
કરવામાં આવી હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે
તથા વિલંબિત ટ્રાયલની સંભાવના હોઈ સ્થાનિક રહીશ હોવાથી જામીન આપવા માંગ કરી
હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલના આરોપી તથા
સહઆરોપીઓએ પોતાની વિવિધ કંપનીઓમાં રોકાણ કરવાથી
વધુ નફો આપવાની લાલચ આપીને 41 કરોડનું રોકાણ મેળવ્યું છે.ત્યારબાદ
આરોપીઓએ રોકાણકારોને નાણાં કે નફો પરત આપવાને બદલે ધાકધમકી આપીને ગુનાઈત વિશ્વાસઘાત
કર્યો છે.હાલના આરોપીના બેંક ખાતામાં 32.66 લાખ જમા થયા હોઈ આર્થિક
લાભ મેળવ્યો છે.આરોપીએ ઉઘરાણી કરવા આવેલા રોકાણકારોને મૌખિક તથા ટેલિફોનિક ધમકી આપ્યા
હોવાનો રેકોર્ડેડ પુરાવો હોઈ આરોપીની ગુનામાં સક્રીય સંડોવણી છે.વધુમાં આ કેસના આરોપીએ
નારાયણ સાંઈને બોગસ મેડીકલ સર્ટીફિકેટ મેળવી આપવામાં મદદગારી કરવા બદલ અમદાવાદ પોલીસમાં
પણ ગુનો નોંધાયો છે.