– નોહર-રંગબેરંગી બ્રહ્માંડનું મહાભયંકર સ્વરૂપ જાણવા મળ્યું
– અમેરિકાની વિસ્કોન્સીન-મેડીસન યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓનું વિશિષ્ટ સંશોધન ઃ વિશ્વભરના ખગોળ શાસ્ત્રીઓ માટે નવાં સમીકરણ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: અનંત અને આશ્ચર્યજનક બ્રહ્માંડ જેટલું સુંદર, રંગબેરંગી, ઝળહળતું લાગે છે,એટલું જ તે મહાભયંકર પણ છે. અફાટ અંતરિક્ષમાં હરપળ ભારે વિનાશલીલા પણ થતી રહે છે.
પૃથ્વીથી ૧૦.૮ અબજ પ્રકાશવર્ષના અંતરે આવેલા વિરાટકાય ક્વેઝાર બ્લેકહોલ(જેને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરમાસીવ બ્લેકહોલ કહેવાય છે) માં કલ્પનાતીત કહી શકાય તેવી ભયંકર ગતિવિધિ થઇ રહી છે. એસબીએસ ૧૪૦૮+ ૫૪૪ પ્રકારની સંજ્ઞાા ધરાવતા ક્વેઝાર(ક્વેઝાર એટલે ક્વાસી –સ્ટેલર-રેડિયો સોર્સ-નું ટૂંકું નામ.ક્વેઝાર અત્યંત ઝળહળતો આકાશીપીંડ છે, જે રેડિયો ગેલેક્સીના કેન્દ્રમાં હોય છે.એટલે જ આવી ગેલેક્સીને ક્વેઝાર ગેલેક્સી પણ કહેવાય છે)માં ભયંકર વિસ્ફોટ થઇ રહ્યા છે.
આ વિસ્ફોટ દ્વારા તે ક્વેઝારમાંથી અતિ વિપુલ માત્રામાં રેડિયેશન(કિરણોત્સર્ગ) આખા બ્રહ્માંડમાં ફેંકાઇ રહ્યું છે. આ રેડિયેશનને કારણે નજીકના વાયુઓનાં વિરાટ વાદળો દૂર દૂર જઇ રહ્યાં છે. આ પ્રક્રિયાને કારણે ત્યાં ૩.૬૦ કરોડ માઇલ(૫.૮૦ કરોડ કિલોમીટરઃ પ્રતિ કલાકે)ની મહાગતિએ પવન પણ ફૂંકાઇ રહ્યો છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સીન-મેડીસનના ખગોળશાસ્ત્રી પ્રોફેસર કેથેરીન ગ્રાયર અને તેની ટીમ દ્વારા સતત આઠ વર્ષ સુધી થયેલા સંશોધનાત્મક અભ્યાસ દ્વારા આવી અજીબોગરીબ કહી શકાય તેવી ગતિવિધિ જાણવા મળી છે. ખગોળશાસ્ત્રીઓની ટીમને આ માહિતી સ્લોઅન ડિજિટલ સ્કાય સર્વે(એસડીએસએસ) દ્વારા થયેલા બ્લેકહોલ મેપર રિવરબેરેશન મેપિંગ પ્રોેજેક્ટ અંતર્ગત મળી છે.
પ્રોફેસર કેથરીન ગ્રાયરે એવી માહિતી આપી છે કે અત્યંત ઝળહળતા ક્વેઝારને ખરેખર તો પેલા સુપરમાસીવ બ્લેકહોલ દ્વારા વિપુલ માત્રામાં કહી શકાય તેટલી ઉર્જા મળી રહી છે. એમ કહો કે ક્વેઝારને ઘણું ઘણું બળ મળી રહ્યું છે. વળી, ક્વેઝારમાંથી રેડિયેશન સહિત અન્ય જે પદાર્થ બહાર ફેંકાઇ રહ્યો છે તે વિરાટ કદનાં વાદળોના સ્વરૂપમાં અત્યંત વેગથી ગોળ ગોળ ઘુમી રહ્યો છે.
અત્યંત ગતિથી ગોળ ગોળ ઘુમતાં આવાં વાદળોને એક્રીશન ડિસ્ક કહેવાય છે. આવી અજીબોગરીબ કહી શકાય તેવી પ્રક્રિયાથી ૩.૬૦ કરોડ માઇલ(૫.૮૦ કરોડ કિલોમીટર)ની કલ્પનાતીત ગતિએ પવન પણ ફૂંકાઇ રહ્યો છે.
આ સંશોધન ટીમના સભ્ય રોબર્ટ વ્હીટલીએ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે આમ તો અમે આવાં સુપરમાસીવ બ્લેકહાલ્સમાંથી ફૂંકાતા પવનનું નિરીક્ષણ કર્યું છે. આમ છતાં એસ.બી.એસ. ૧૪૦૮+ ૫૪૪ સંજ્ઞાાવાળા ક્વેઝાર સુપરમાસીવ બ્લેકહોલમાંથી ૩.૬૦ કરોડ માઇલ(૫.૮૦ કરોડ કિલોમીટર ઃ પ્રતિ કલાક) ની કલ્પનાતીત ગતિએ ફૂંકાતા પવનની તો રોકડી ખણખણતી સાબિતી પણ મળી અને તે પણ પહેલી જ વખત.
આ તબક્કે ખગોળપ્રેમીઓને અભ્યાસીઓને અથવા વિજ્ઞાાનના ં વિદ્યાર્થીઓને જિજ્ઞાાસાસભર સવાલ થાય કે ક્વેઝાર કે બ્લેકહોલ અથવા અન્ય કોઇ આકાશી પીંડમાંથી આટલી અતિ તીવ્ર ગતિએ પવન કઇ રીતે ફૂંકાય ? તે પવન પૃથ્વી પર ફૂંકાય છે તેવો હોય ? તે પવનનું સ્વરૂપ કેવું હોય ?
બ્લેકહોલ વિશેની પરંપરાગત સમજણ અને તેમાં થતી ગતિવિધિ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિચાર – નવી થિયરી આપનારા (આપણા સૂર્યના કુલ દળ(માસ) કરતાં ૮ -૧૦ ગણું વધુ દળ ધરાવતા તારાનું મૃત્યુ થાય ત્યારે તે ફક્ત બ્લેકહોલ નહીં પણ ફાયરબોલ પણ બને) ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.-મુંબઇ)ના નિવૃત્ત સિનિયર ખગોળ- ભૌતિક શાસ્ત્રી ડો. પંકજ જોશી આ સમગ્ર ગતિવિધિને સરળ રીતે સમજાવતાં ગુજરાત સમાચારને કહે છે, જુઐો, કોઇપણ બ્લેકહોલના કેન્દ્રમાં અતિ વિપુલ પ્રમાણમાં દ્રવ્ય ગોળ ગોળ ફરતું હોય. ગોળ ગોળ ફરતું આ દ્રવ્ય એટલે જ એક્રીશન ડિસ્ક.આ એક્રીશન ડિસ્કમાં ઇલેેક્ટ્રોન, પ્રોટોનવગેરેનું દ્રવ્ય અત્યંત તીવ્ર ગતિએ ગોળ ગોળ ઘુમતું હોવાથી બ્રહ્માંડમાં જોરદાર પવન ફૂંકાઇ રહ્યો હોય તેવાં દ્રશ્યો સર્જાય. ખરેખર પૃથ્વી પર ફૂંકાય છે તેવો પવન ન હોય. વળી, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનુંદ્રવ્ય પણ છેવટે તો મૃત્યુ પામેલા વિરાટકાય તારામાંથી જ આવતું હોય.
હવે આ સંશોધનના આધારે અમુક પાયારૂપ સવાલ પણ થાય કે સુપરમાસીવ બ્લેક્હોલમાંથી જે કરોડો માઇલની ગતિએ પવન(ખરેખર તો એક્રીશન ડિસ્ક) ફૂંકાય છે તે કયાં ચોક્કસ પરિબળોની અસરથી ફૂંકાય છે ? આવી મહાતોફાની ગતિવિધિ માટે ત્યાં જરૂર કોઇક મોટું અને મહત્વનું પરિબળ હોવું જોઇએ. વળી, પવનની અતિ ગતિ વિશે બ્લેકહોલ માટે કેટલી મર્યાદા હોય ? બ્લેકહોલ વિશેનાં જુદાં જુદાં સાયન્ટિફિક મોડેલ્સમાંની વિગતો કરતાં આ ઘટનાની વિગતો ખરેખર બહુ બહુ નવી અને વિશિષ્ટ છે. પહેલી જ વખત જાણવા મળી છે.