– હાઈકોર્ટના આદેશ મુજબ શહેરમાં મનપાએ ધાર્મિક દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી
– ધમાલ કરો પણ મંદિર તોડવા ના દેતા તેવુ મેયરે કહ્યુ હોવાનો ભાજપના નગરસેવકનો દાવો, ગોળી મારી દયો પણ દબાણ નહીં હટાવવા દઈએ તેમ ભાજપ નગરસેવકે જણાવ્યુ
શહેરમાં ગેરકાયદે આવેલ ધાર્મિક દબાણો હટાવવા માટે હાઈકોર્ટે સૂચના આપી છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સર્વે બાદ હવે ધાર્મિક દબાણ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે રવિવારે મહાપાલિકાની ટીમે દાણાપીઠ, પખાલીવાડ, સ્ટેશન રોડ, સુતારવાડ વગેરે વિસ્તારમાં પ મંદિર-દેરીના ધાર્મિક દબાણ દૂર કર્યા હતા, ત્યારબાદ મહાપાલિકાની ટીમ મામાકોઠા રોડ પર પહોંચી હતી. મામાકોઠા રોડ પર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરનુ દબાણ તોડવાનુ હતુ પરંતુ આ દરમિયાન ભાજપના નગરસેવક ગોપાલ મકવાણા સહિતના સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મહિલાઓ મંદિરમાં બેસી ગઈ હતી અને મંદિર તોડવા નહીં દઈએ તેમ જણાવ્યુ હતું. મહાપાલિકાના કર્મચારીઓએ ભાજપના નગરસેવક અને સ્થાનિક રહીશોને સમજાવ્યા હતા પરંતુ તેઓ સમજ્યા ન હતાં. ભાજપના નગરસેવક ગોપાલ મકવાણાએ મેયરને ફોન કર્યો હતો અને સ્ટાફ સાથે વાતચીત કરાવી હતી.
ધમાલ કરો પણ મંદિર તોડવા ના દેતા તેવુ મેયરે કહ્યુ હોવાનો ભાજપના નગરસેવકનો દાવો કર્યો હતો. ગોળી મારી દયો પણ દબાણ નહીં હટાવવા દઈએ તેમ ભાજપ નગરસેવકે જણાવ્યુ હતું. હિન્દુના મંદિર તોડવામાં આવે છે છતાં ભાજપ સરકાર કંઈ બોલતી ન હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો. ભાજપના નગરસેવક ભરત ચુડાસમાએ મંદિર નહીં તોડવા માટે મનપાના કર્મચારીઓને ટેલીફોનીક સૂચના આપી હોવાનુ જાણવા મળેલ છે. થોડા દિવસની મુદ્દત આપવા પણ કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું. લોકોના વિરોધ બાદ મહાપાલિકાની ટીમે ધાર્મિક દબાણ તોડયુ ન હતુ અને કર્મચારીઓ ત્યાંથી જતા રહ્યા હતાં. આગામી દિવસોમાં આ મામલે શુ નિર્ણય આવે છે ? તેની રાહ જોવી જ રહી.
સરકાર ધાર્મિક દબાણ હટાવવા પરીપત્ર કરે છે અને નગરસેવકો કામગીરી અટકાવે છે
ભાવનગર સહિત રાજ્યભરમાં ધાર્મિક દબાણ હટાવવા માટે હાઈકોર્ટના આદેશ બાદ ગૃહ મંત્રાલય અને શહેર વિકાસ મંત્રાલયે પરીપત્ર કર્યો છે. કેટલા ગેરકાયદે ધાર્મિક દબાણ છે તેનો સર્વે કરાવવામાં આવ્યો હતો અને કેટલા ધાર્મિક સ્થળના દબાણ હટાવ્યા તેનો રીપોર્ટ સરકારમાંથી લેવામાં આવી રહ્યો છે. આગામી તા. રર જૂલાઈએ હાઈકોર્ટમાં કેટલા ધાર્મિક દબાણ હટાવ્યા તેનો રીપોર્ટ આપવાનો છે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે. સરકાર ધાર્મિક દબાણ હટાવવા પરીપત્ર કરે છે અને ભાજપના નગરસેવકો અને પદાધિકારી કામગીરી અટકાવે છે તેથી હાલ મહાપાલિકાના સ્ટાફની મૂશ્કેલી વધી હોવાનુ જાણવા મળેલ છે.
શહેરમાં હાલ 377 ધાર્મિક દબાણ હયાત
ભાવનગર શહેરમાં હાઈકોર્ટની સૂચના મુજબ કેટલાક વર્ષ પૂર્વે ધાર્મિક દબાણનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ભાવનગર શહેરમાં ૩૯૩ ધાર્મિક દબાણ હોવાની માહિતી મળી હતી અને હજુ ૩૭૭ ધાર્મિક દબાણ હયાત છે, જૂન અને જૂલાઈ માસમાં આશરે ૧૬ ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે અને આ માહિતી હાઈકોર્ટમાં રજૂ કરાશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.
ધાર્મિક દબાણ હટાવતા લોકોની લાગણી દુભાઈ
ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા ધાર્મિક સ્થળના દબાણ હટાવવામાં આવી રહ્યા છે, જેના પગલે શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ રહી હોવાનુ જાણવા મળેલ છે. ધાર્મિક દબાણ નહીં હટાવવા માટે રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ હાઈકોર્ટનો આદેશ હોવાથી મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઘોઘા રોડ, લીમડીયુ, ધોબી સોસાયટી વગેરે વિસ્તારમાંથી ધાર્મિક દબાણ હટાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.