અત્યંત ભંગાર બસોથી પ્રદુષણ અને અકસ્માતો સર્જાયા બાદ : હાલ 65 ઈલેક્ટ્રીક, 52 CNG બસો CCTV, GPSથી સજ્જઃ રોજ 55,000થી વધુ પ્રવાસી : BRTS બસોમાં રોજ ચિક્કાર ભીડ
રાજકોટ, : રાજકોટમાં મહાપાલિકા દ્વારા ઓક્ટોબર- 2013થી સિટી બસ સેવા કે જે પહેલા એસ.ટી.હસ્તક હતી તે શરૂ કરવામાં આવી છેપરંતુ, શરૂ થઈ ત્યારથી મુકાયેલી બ્લુ રંગની બસો અત્યંત ભંગાર થઈ ગઈ હતી જે પ્રદુષણ અને અકસ્માતો સર્જતી હતી અને લોકો તે બસમાં બેસવાનું ટાળતા હતા. પરંતુ, અગિયાર વર્ષે આ સમસ્યાથી મુક્તિ મળી છે, આજે મનપા સૂત્રોએ જણાવ્યું કે તમામ બસો હવે સી.એન.જી. અને ઈલેક્ટ્રીક સંચાલિત નવી બસો શહેરના રૂટ્સ પર દોડવા લાગી ચે.
હાલ 65 ઈલેક્ટ્રીક બસો અને 52 સી.એન.જી.બસો સહિત કૂલ 117 સિટી બસો શહેરના ટ્રાફિકજામવાળા રસ્તાઓને ધ્યાને લઈને એસ.ટી.જેવી મોટાકદની બસોને બદલે મીડી બસ જ રખાઈ છે જે દરેકની બેઠક ક્ષમતા ૩૨ની છે અને તે ઉપરાંત ૧૦-૧૨ લોકો ઉભા રહી શકે છે. ઈલે.બસો એ.સી. અને સી.એન.જી. નોન એ.સી. છે. સિટી ઈજનેર અલ્પના મિત્રાએ જણાવ્યા પ્રમાણે તમામ બસો હવે જીપીએસથી સજ્જ છે જેથી તેનું લોકેશન ઓનલાઈન મનપા જોઈ શકે છે તેમજ દરેક બસમાં સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે.
શહેરમાં 103 સિટી બસમાં રોજ સરેરાશ 28થી 30,000 મુસાફરો જ્યારે માત્ર 14 બીઆરટીએસ બસો જે માધાપર ચોકથી ગોંડલ ચોક વચ્ચે ચાલે છે તેમાં 25થી 28,000 પ્રવાસીઓ હોય છે. જેના કારણે બી.આર.ટી.એસ.રૂટ પર ઉતારૂઓની કાયમી અતિ ભીડ રહે છે. રોજ ૫૫ હજારથી વધુ લોકો સિટી બસમાં મુસાફરી કરે છે પરંતુ, એક દાયકાથી મહાપાલિકાએ તેના રૂટ લબાવ્યા નથી જ્યારે વસ્તી અને વિસ્તાર સતત વધી રહ્યા છે. મનપા સૂત્રો અનુસાર આગામી એક માસની અંદર વધુ પચાસ સીએનજી બસો સિટી બસમાં ઉમેરાશે અને ત્યારે નવા રૂટ શરૂ કરવામાં આવશે.