– ભાવનગર-અમદાવાદ રોડ પર આવેલ ભડભીડ પાસેથી
– રાજસ્થાનનો શખ્સ દારૂ ભરેલી કાર લઈને વેંચાણ અર્થે ભાવનગર તરફ આવતો હોવાની બાતમીના પગલે એલસીબીની કાર્યવાહી : દારૂ, કાર, મોબાઈલનો જથ્થો કબ્જે
આ બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે,ભાવનગર-અમદાવાદ હાઇવે પર સનેસ ચોકડી તરફથી રામલાલ (રહે.રાજસ્થાન) સફેદ કલરની ટાટા ઇન્ડીકા ફોર વ્હીલ કાર નં.જીજે-૨૭-સી-૩૫૮૩ માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેંચાણ અર્થે ભાવનગર તરફ લઇને આવે છે. બાતમીના આધરે સનેસ ચોકડીથી આગળ ભાવનગર-અમદાવાદ રોડ ઉપર આવેલ એપેક્ષ હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી ત્યારે આવી રહેલી કારને અટકાવી કારમાં બેઠેલા રામલાલ મુકનારામ લોહાર (ઉ.વ.૩૯, રહે.ગામ- અલીબાવ તા. ચીતલવાણા, જી.સાચોર, રાજ્ય-રાજસ્થાન)ને નીચે ઉતારી કારની તલાસી લેતાં પાછળની સીટમાં તથા ફોર વ્હીલની ડીકીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલ ૪૬૨,કાર,મોબાઈલ મળી કુલ રૂા. ૩,૩૯,૩૭૦ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના પ્રવેશદ્વાર પરથી છાશવારે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે અને આ દારૂના મોટા જથ્થા રાજસ્થાનથી ભાવનગરમાં ઘુસાડવાના પ્રયાસ વારંવાર થતાં રહ્યા છે તેવામાં વધુ એક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભાવનગર નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો.