Rurban Project : નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરો જેવી સુવિધા ગામડાઓમાં ઉભી કરવા માટે 2009-10માં રૂર્બન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ યોજનામાં 255 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે પૈકી તેમના સમયમાં જ 75 ગામોમાં ભૂગર્ભ ગટર સહિતના આંતરમાળાકીય કામો પૂર્ણ થયા હતા પરંતુ તેમના પછી આવેલા ત્રણ મુખ્યમંત્રીઓના શાસનમાં આ યોજનાને અભેરાઇએ ચઢાવી દેવામાં આવી છે.
છેલ્લા બે વર્ષમાં ખર્ચેલા આંકડા પરથી ફલિત થાય છે કે ગામડાઓને શહેરો જેવી સુવિધા આપવા શાસકો અને અમલદારોને સહેજ પણ રસ નથી. 2022-23ના નાણાકીય વર્ષમાં 22.50 કરોડ પૈકી માત્ર 8.60 કરોડ અને 2023-24ના વર્ષમાં માત્ર 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
ગુજરાત મેલેરિયા ફ્રી થઈ શકે ખરું
ગુજરાત સરકારે 2027 સુધીમાં ગુજરાતમાં મલેરિયાના કેસ શૂન્ય પર લાવીને 2030 સુધીમાં ગુજરાતને મેલેરિયા-ફ્રી કરવાની જાહેરાત કરી છે. સળંગ 3 વર્ષ સુધી મલેરિયાનો એક પણ કેસ ના નોંધાય એ દેશને વિશ્વ આરોગ્ય સંસ્થા મલેરીયા-ફ્રી તરીકેનું સર્ટિફિકેટ આપે છે. દુનિયામાં 70થી વધારે દેશોને આ સર્ટિફિકેટ મળી ચૂક્યું છે પણ આરોગ્ય નિષ્ણાતોના મતે, ગુજરાત માટે આ કામ મુશ્કેલ છે. ગુજરાતને મલેરિયા-ફ્રી બનાવવા ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ કરવું પડે, મલેરિયાના મચ્છરો ગંદકીમાં જ પેદા થાય છે. ભારતમાં નાના ગામને પણ સંપૂર્ણ સ્વચ્છ કરવું લગભગ અશક્ય છે ત્યારે આખા ગુજરાતને સ્વચ્છ કરવું લગભગ અશક્ય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, કેન્દ્ર સરકારે આખા દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરી દીધું એ રીતે ગુજરાત સરકાર પણ મલેરિયાનો એક પણ કેસ નથી નોંધાયો એવું જાહેર કરીને સર્ટિફિકેટ લઈ લેશે.
અગ્નિકાંડની ઝાળ લાગીઃ રાજકોટમાં ભાજપને લોકોની વચ્ચે જવાની ફરજ પડી
રાજકોટમાં થયેલા અગ્નિકાંડના કારણે ભાજપની ધોવાયેલી આબરૂ પાછી મેળવવા માટે ભાજપે લોકોની વચ્ચે જવું પડ્યું છે. રાજકોટ ભાજપે ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને અધિકારીઓ લોક દરબાર કરીને લોકોની સમસ્યાઓ સાંભળશે.
રાજકોટમાં ગરીબોના આવાસમાં ફાળવણીમાં ગેરરિતી અને આગકાંડ પછી લોકોમાં આક્રોશ છે. આ આક્રોશનો પડઘો આગકાંડને એક મહિનો થયો એ નિમિત્તે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનમાં પડ્યો છે. રાજકોટમાં કોંગ્રેસની વાત કોઈ સાંભળતું નહોતું પણ કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધના એલાનને જોરદાર પ્રતિસાદ મળ્યો પછી ભાજપનો જાગ્યા વિના છૂટકો નથી. હવે ભાજપના નેતાઓ દોડતા થયા છે.