વડોદરા, તા.15 વારાણસીમાં ફરજ બજાવતો આર્મી જવાન પોતાના વતન ભાવનગર જતી વખતે દારૃની વિવિધ બ્રાંડની રૃા.૭૬૭૪૦ કિંમતની બોટલો સાથે ઝડપાઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન મોડી રાત્રે છાયાપુરી રેલવે સ્ટેશન પર આવતાં પોલીસના માણસો શંકાસ્પદ પ્રવાસીઓની વોચમાં હતાં. દરમિયાન એક શખ્સ વજનદાર ટ્રોલીબેગ, પીઠુબેગ અને એક કપડાની થેલી સાથે જોવામાં આવતાં તેને રોકી સામાન ચેક કરવાનું કહેતાં પોલીસે આર્મીમાં છે તેવો રૃઆબ માર્યો હતો પરંતુ પોલીસને શંકા જતાં તેની પાસેનો સામાન ચેક કરવા કડક શબ્દોમાં જણાવ્યું હતું.
બાદમાં પ્રવાસીએ કબૂલાત કરી હતી કે બેગોમાં દારૃની બોટલો છે. પોલીસે તપાસ હાથ ધરતાં બેગોમાં રૃા.૭૬૭૪૦ કિંમતની દારૃની ૧૦૧ નંગ બોટલો વિવિધ બ્રાંડની મળી હતી. તેને પોતાનું નામ ભગીરથસિંહ રામદેવસિંહ ગોહિલ (રહે.ટીમ્બી, તા.ઉમરાળા, જિલ્લો ભાવનગર) જણાવ્યું હતું. તે વારાણસીમાં આર્મીમાં નોકરી કરે છે તેમજ આર્મીના ક્વોટામાંથી પોતાના તેમજ અન્ય સાથી આર્મીના જવાનોનો જથ્થો ભેગો કરીને ભાવનગર ખાતે લઇ જતો હતો.