– અગાઉ થયેલા ઝઘડાની દાઝે યુવાન પર છરી-ધોકા વડે હુમલો થયો હતો
– ચારેય શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આ બનાવવાની ઉપલબ્ધ થતી માહિતી અનુસાર ભાવનગરના વડવા, પાદર દેવકીમાં આવેલ ચબૂતરા પાસે રહેતા યુસુફખાન અયુબખાન પઠાણના મોટા દીકરા બિસ્મિલ્લાખાનને અગાઉ રહીમ ઓટો વાળા સાથે માથાકૂટ થઈ હતી. દરમિયાનમાં, બિસ્મિલ્લાખાન ઘરેથી વાળ કપાવવા માટે નિકળ્યા હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડાથી દાઝે ભરાયેલા અલ્તાફ ડબલ મર્ડર, ભોલિયો અને અનકો નામના ઈસમોએ આવી બિસ્મિલ્લાખાનને ગાળો આપી છરી, પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારતા ઇજાગ્રસ્ત હાલતે બિસ્મિલ્લાખાન યુસુફખાન પઠાણ ( ઉ.વ.૧૯)ને ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન બિસ્મિલ્લાખાનનું મોત નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી નિલમબાગ પોલીસે હત્યામાં સંડોવાયેલા અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડર ભીખુભાઇ દસાડીયા (ઉ.વ.૪૩, રહે.વડવા, વાસણઘાટ, આસોદરીફળી સામે, ભાવનગર) ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો ભરતભાઈ વાઘેલા (ઉ.વ.૨૬, રહે.વડવા, બાપેસરા, વેધનાથ મહાદેવ મંદીર પાસે, ભાવનગર), અનીલ ઉર્ફે અનકો હિમ્મતભાઇ મકવાણા (ઉ.વ.૩૧, રહે.પ્લોટ નં.૫૫, સત્યનારાયણ સોસાયટી-૦૧, હાદાનગર, ભાવનગર), વિપુલ ઉર્ફે ઠુઠો અમુભાઇ કંડોળીયા (ઉ.વ.૩૦, રહે.પ્લોટ નં.૧૫૫, સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર)ને ઝડપી લીધા હતા. પકડાયેલા ચારેય શખ્સોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું નીલમબાગ પોલીસ મથકના પીઆઈ આર.ડી ચૌધરીએ જણાવ્યું હતું.