મુળીના ભેટ ગામે 3 શ્રમીકોના ખોદકામ વખતે ગેસ ગળતરથી મોતના મામલો : ઉચ્ચ રાજકીય આગેવાનોના શરણે અથવા ભુગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાઓ : પોલીસ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ
સુરેન્દ્રનગર, : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, થાન અને સાયલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહનના બનાવો વધી રહ્યાં છે. જેમાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટીંગ તેમજ ગેસ ગળતરથી શ્રમીકોના મોતની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તાજેતરમાં મુળીના ભેટ ગામે તંત્ર દ્વારા બુરી નાંખવામાં આવેલ સરકારી ખરાબાના કોલસાના કુવાનું ખોદકામ કરતા ત્રણ શ્રમીકોના મોત બાદ ભાજપના નેતા સહિતના તમામ ચાર આરોપીઓ ભુગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
મુળી, થાન અને સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહનના બનાવો વધ્યા છે. ભુમાફીયાઓને તંત્રનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા બુરી નાંખવામાં આવેલ સરકારી ખરાબામાં આવેલ કોલસાના કુવા તેમજ ગેરકાયદેસર કુવાનું ફરી ભુમાફીયાઓ દ્વારા ખોદકામ થતું હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં બુરી નાંખેલ કુવાનું ચાર શખ્સો દ્વારા શ્રમીકોને દૈનિક વેતન આપી ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું. જે દરમ્યાન બ્લાસ્ટીંગ બાદ ગેસ ગળતરથી ત્રણ શ્રમીકોના મોત નીપજ્યા હતા. આ બનાવમાં મુળી પોલીસ મથકે 4 આરોપીઓ (1) ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા રહે.રાયસંગપર તા.મુળી (જીલ્લા પંચાયત સદ્દસ્યના પતિ), (2) કલ્પેશભાઈ કેસાભાઈ પરમાર રહે.ખંપાળીયા તા.મુળી (કારોબારી ચેરમેન તાલુકા પંચાયત), (3) જનકભાઈ જીવણભાઈ અણીયારીયા (રહે.રાયસંગપર તા.મુળી) અને (4) જશાભાઈ રધાભાઈ કેરાળીયા (રહે.ઉંડવી તા.થાન) સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ફરિયાદ નોંધાતા જ તમામ આરોપીઓ પૈકી બે આરોપીઓ રાજકીય હોદ્દેદાર હોય લાગવગના જોરે ભુગર્ભમાં ઉતરી ગયા છે. આ સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા ઢીલી નીતી રાખી કાર્યવાહી કરવામાં આવે તે માટે રાજકીય ઉચ્ચ હોદ્દેદારોના શરણે પહોંચી બેઠકોનો દોર શરૃ કર્યો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
બીજી બાજુ જીલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં ધમધમતી ગેરકાયદેસર ખાણોમાં સીધી કે આડકતરી રીતે રાજકીય આગેવાનોની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સ્થાનીક ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કરતા હાલ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરવામાં આવી છે અને કોઈપણ જાતની લાગવગ કે સેહ શરમ વગર તટસ્થ રીતે તપાસ કરી બુરી નાંખેલ કોલસાના કુવાનું ફરી ખોદકામ કરાવનાર તમામ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લાના થાન, મુળી અને સાયલા તાલુકામાં છેલ્લા પાંચ મહીનામાં ગેસ ગળતર તેમજ ભેખડ ઘસી પડતા અંદાજે 20 જેટલા શ્રમીકોના મોત નીપજ્યા છે. આ સ્થિતિમાં શ્રમીકોના મોતનો સીલસીલો કાયમી બંધ થાય તેવી પણ લોકમાંગ ઉઠી છે.