ભારતીય ટીમ T20 વર્લ્ડકપ ચેમ્પિયન બની એમાં 3 ગુજરાતના ક્રિકેટરોનું પણ મોટું યોગદાન હતું. આ ત્રણ ક્રિકેટરોમાં જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડયા તો આ ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તેણે ફેંકેલી છેલ્લી ઓવર અને તેમાં બચાવેલ 16 રન માટે તેને હંમેશા યાદ કરશે.
હાર્દિકની ઓવર બાદ મેચ પલટાઈ ગઈ
દક્ષિણ આફ્રિકાની ટીમને T20 વર્લ્ડકપ ફાઇનલમાં 30 બોલમાં 30 રન જોઈતા હતા. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને બોલ આપ્યો ત્યારે ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓએ જીતની આશા છોડી પણ દીધી હશે. એવા સમયે સેટ થઈ ગયેલા સૌથી ખતરનાક બેટર હેન્રી ક્લાસેનને હાર્દિક પંડયાએ પેવેલિયનભેગો કરી દીધો હતો. હાર્દિકના આઉટ સાઈડ ઑફ સ્ટંપ બોલ પર હેન્રી ક્લાસેને શૉટ મારવાનો પ્રયાસ કરતાં બોલ કિનારી લઈને કીપર રિષભના હાથમાં પહોંચી ગયો હતો. અહીંથી જાણે મેચ પલટાઈ ગઈ હતી. ત્યાર પછી બુમરાહ અને અર્શદીપે સારી ઓવર્સ ફેંકી હતી. જો કે છેલ્લી ઓવર ફરીથી રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને આપી હતી. દક્ષિણ આફ્રિકાને ત્યારે 16 રનની જરૂર હતી. હાર્દિકે પહેલા જ બોલ પર મિલરની વિકેટ લીધી હતી. સૂર્યકુમારે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. અને આ કેચ સાથે મેચ પણ ભારતના હાથમાં આવી ગઈ હતી.
હાર્દિક પંડ્યા વડોદરામાં જ મોટો થયો છે. તેણે અને કૃણાલે અહીં જ અકેડમીમાં રમીને મુંબઈ ઈંડિયન્સની IPL ટીમમાં એન્ટ્રી કરી હતી. વતન વડોદરા આવતા જ હાર્દિકનું ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘પ્રાઈડ ઑફ વડોદરા’ એવું લખાણ લખેલી બસમાં ભારતીય ધ્વજ સાથે હાર્દિક પંડ્યા દેખાયો હતો. ક્રિકેટ ફેન્સ તેની એક ઝલક માટે પડાપડી કરતાં જોવા મળ્યા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.