25 વર્ષનો વિરલ આશરા આઈટી એન્જિનિયર છે
સોશિયલ મીડિયા પર ધમકી બાદ સુરક્ષા વધારી દેવાઈ હતી, તપાસ બાદ વડોદરાના યુવકે પોસ્ટ કર્યાની ભાળ મળી
મુંબઇ : સંપૂર્ણ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ઉદ્યોગપતી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન સમારંભમાં બૉમ્બ વિસ્ફોટની ધમકી આપનારા પચ્ચીસ વર્ષીય આઇટી એન્જિનિયરની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાથી ધરપકડ કરી છે. પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આરોપીને તેના ઘરમાંથી ઝડપી લીધો હતો.
આરોપી વિરલ આશરાને પકડીને મુંબઇ લાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અનંત અંબાણી અને રાધિકાના લગ્ન સમારંભ દેશ-વિદેશમાંથી અનેક સેલિબ્રિટીએ હાજરી આપી હતી. લગ્ન સંબંધિત વિવિધ કાર્યક્રમમાં બોલીવૂડના પ્રસિદ્ધ અભિનેતા, અભિનેત્રી, ઉપરાંત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા.
ત્યારે સોશિયલ મીડિયાના એક ધમકીભર્યા મેસેજના લીધે પોલીસ અને તમામ સિક્યુરિટી એજન્સીની ઉઘ ઉડી ગઇ હતી. સોશિયલ મીડિયામાં એક્સયુઝર જ્ર એફએફએસએફઆઇઆર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે મારા મનમાં એક વિચાર આવે છે કે અંબાણીના લગ્નમાં બોમ્બ સ્ફોટ થયા તો વિશ્વમાં ઉલટફેર થઇ જશે. એખ પિન કોડમાં ટ્રિલિયન ડોલર્સ અને ધમકીના પગલે ૧૨ જુલાઇના હાઇપ્રોફાઇલ લગ્ન પ્રસંગમાં પોલીસે સુરક્ષા વધારી દીધી હતી.
પોલીસની જુદી જુદી ટીમ ધમકી આપનારની શોધખોળ કરી રહી હતી. છેવટે તે ગુજરાતના વડોદરામાં હોવાની જાણ થઇ હતી. પોલીસની ટીમ વડોદરા પહોંચી ગઇ હતી. વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા વિરલની આજે સવારે ધરપકડ કરાઇ હતી.
બીજી તરફ મુંબઇના બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણીના લગ્નમાં વિશ્વભરના હસ્તીઓ, રાજકારણીઓ, હિન્દી અને દક્ષિણ ભારતીય સિનેમા જગતના કલાકારો, ટોચના ક્રિકેટરોએ હાજરી આપી હતી ત્યારે આમંત્રણ વિના બે શખસ અંદર ઘૂસી ગયા હતા આંદ્ર પ્રદેશથી અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા આવેલા વ્યંકટેશ નરસૈયા અલ્લુરી (ઉ.વ.૨૬) અને લુકમાન મોહમ્મદ શફી શેખ (ઉ.વ.૨૮)ને ઝડપી લેવામાં આવ્યા હતા. વ્યકંટેશે યુ-ટયુબર અને લુકમાને વેપારી હોવાનો દાવો કર્યો હતો. બીકેસી પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને નોટીસ આપી જરૃરી કાયદેસર કાર્યવાહી કરી છોડી દીધા હતા.