Ananat and radhika wedding News | વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ અબજપતિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનારો પકડાઈ ગયો છે. પોલીસે આરોપીને વડોદરામાંથી પકડ્યો છે.
મુંબઈમાં યોજાયા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીના લગ્ન 12 થી 15 જુલાઈ દરમિયાન બાંદ્રા કુર્લાના જિયો કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયા હતા. તેમાં વિશ્વભરના ઉદ્યોગપતિઓ, વડાપ્રધાન સહિત રાજકીય આગેવાનો તેમજ ફિલ્મી હસ્તીઓ સહિતની અન્ય પ્રતિભાશાળી હસ્તીઓએ હાજરી આપી હતી.
આરોપીની ઓળખ જાહેર થઇ
આ દરમિયાન ઈમેલ દ્વારા અનંત અંબાણીના લગ્ન દરમિયાન બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમાં દુનિયાભરમાં ઉથલપાથલ મચાવવાની વાત કહેવામાં આવી હતી. ધમકી આપતો મેલ મળતા મુંબઈ પોલીસ દોડતી થઇ હતી અને તપાસનો ધમધમાટ વડોદરા સુધી પહોંચ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વડોદરાના બાપોદ વિસ્તારમાં ધસી આવી હતી અને વાઘોડિયા રોડ પર સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં દરોડો પાડી વિરલ કલ્પેશભાઈ આશરા નામના આરોપીને દબોચી તરત જ મુંબઈ રવાના થઈ હતી.