અમદાવાદ,મંગળવાર,16 જુલાઈ,2024
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા શ્યામાપ્રસાદ વસાવડા
હોલના ભોંયરામાંથી દારૃની બોટલો મળી આવતા મામલો ચર્ચાસ્પદ બનવા પામ્યો
છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ કોમ્યુનિટી હોલમાં સફાઈ થતી નહીં હોવાની
ફરિયાદ પછી કોર્પોરેટરો દ્વારા તપાસ કરવામા આવતા હકીકત સામે આવી હતી.મ્યુનિસિપલ કમિશનર
તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કાર્યવાહી કરવા સુચના અપાઈ છે.
ખોખરા વિસ્તારમાં આવેલો
શ્યામાપ્રસાદ વસાવડા હોલ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા સફાઈ અને સિકયુરીટી
વ્યવસ્થા માટે કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે. કોમ્યુનિટી હોલ પ્રસંગોપાત ભાડે
રાખનારા લોકો તરફથી હોલની સફાઈનુ સ્તર ખરાબ હોવાની સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત
કરવામા આવી હતી.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ, સોમવારે
કોમ્યુનિટી હોલની મુલાકાત લીધી હતી.આ સમયે હોલના ભોંયરામાંથી વીસ જેટલી દારુની
બોટલો જોવા મળી હતી.આ બાબત ધ્યાનમાં આવતા અધિકારીઓને તપાસ કરી જવાબદારો સામે
કાર્યવાહી કરવા કહેવામાં આવ્યુ છે.આ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય
કચેરીમાંથી પણ દારુની બોટલો મળી આવી હતી.