IAS Pooja Khedkar: સતત વિવાદોમાં ઘેરાયેલા ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવામાં આવી છે. મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ અકેડેમી ઑફ એડમિનિસ્ટ્રેશન એટલે કે LBSNAA એ પૂજાની ટ્રેનિંગ તાત્કાલિક પ્રભાવથી રદ કરી છે. તથા તેમને અકેડેમીમાં પરત બોલાવવામાં આવ્યા છે. આ આદેશ સાથે પૂજાને નોટિસ પણ આપવામાં આવી છે.
શું છે વિવાદ?
પૂજા ખેડકર UPSC પરીક્ષામાં ઓબીસી અને દ્રષ્ટિબાધિત ઉમેદવાર હતી. સાથે સાથે માનસિક બીમારીનું પણ પ્રમાણપત્ર આપ્યું હતું. UPSCએ એપ્રિલ 2022માં પૂજાને દિલ્હીની એમ્સમાં હાજર થવા માટે કહ્યું હતું જેથી તેની વિકલાંગતા પ્રમાણિત કરી શકાય. જોકે તે તપાસ માટે હાજર થઈ નહોતી. આટલું જ નહીં તે પછી પૂજાએ છ વખત તપાસ માટે હાજર થવામાં આનાકાની કરી હતી.
મેડિકલ ટેસ્ટમાં ગરબડ?
પૂજાએ બાદમાં પોતે જ પ્રાઇવેટ તપાસ કેન્દ્રમાંથી MRI રિપોર્ટ UPSCમાં જમા કરાવી. જોકે UPSCએ એ રિપોર્ટ માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં આ સમગ્ર મામલો CAT સુધી પણ ગયો, જોકે છેલ્લે પૂજાએ આપેલ સર્ટિફિકેટ જ માન્ય રાખીને IAS તરીકે તેની નિયુક્તિ કરી દેવામાં આવી હતી.
કરોડોના માલિકની પુત્રી છતાં ઉઠાવ્યો ગેરલાભ
આટલું જ નહીં પૂજા ખેડકરે તો OBC સર્ટિફિકેટમાં પણ ગરબડ કરી હોવાના આરોપ લાગી રહ્યા છે. પૂજા ખેડકરના પિતાએ વર્ષ 2024માં લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં પિતાએ કુલ 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જેથી સવાલ ઉઠી રહ્યા છે કે પિતા પાસે જો કરોડો રૂપિયા હોય તો પુત્રી પૂજા પાસે OBCનું નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ આવ્યું ક્યાંથી?
પોતાના બચાવમાં શું કહ્યું
આ બધા સવાલો વચ્ચે પૂજા થોડા દિવસ અગાઉ મીડિયા સામે જવાબ આપ્યો હતો, કે ‘હું તમામ સવાલોના જવાન કમિટી સામે આપીશ. કમિટી જે પણ નિર્ણય લેશે તે હું સ્વીકારીશ. આ બધુ જે ચાલી રહ્યું છે તે મીડિયા ટ્રાયલ છે. સત્ય જે પણ હશે તે સામે આવશે. ભારતીય બંધારણ મુદ્દે જ્યાં સુધી આરોપો સાબિત ન થઈ જાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને દોષિત ન માનવું જોઈએ.’
નોંધનીય છે જે પૂજાએ વર્ષ 2022માં UPSCની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષામાં પૂજાને 821 રેન્ક આવી હતી.