ગયા વર્ષની તુલનાએ પૂરક પરીક્ષાર્થીઓ ઘટયાં
10મા, 12માની ફેરપરીક્ષાના કુલ 85821 વિદ્યાર્થીઓ, 6 તૃતીયપંથીઓનો પણ સમાવેશ
મુંબઇ : સ્ટેટ બોર્ડ દ્વારા ધો.૧૦, ૧૨ની બોર્ડની ફેરપરીક્ષા મંગળવાર ૧૬ જુલાઈથી શરુ થઈ રહી છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ફેરપરીક્ષા આપનારાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનમાં મોટો ઘટાડો થયાનું જણાયું છે.
સ્ટેટ બોર્ડના ૯ ડિવિઝનલ બોર્ડ દ્વારા ધો.૧૦ની પૂરક પરીક્ષા ૧૬ જુલાઈથી ૩૦ જુલાઈ દરમ્યાન તો ધો.૧૨ની પરીક્ષા ૧૬ જુલાઈથી ૮ ઑગસ્ટ સુધી લેવાશે. પરીક્ષા માટે સ્ટેટ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અને તેની વેબસાઈટ પર મૂકાયેલ ટાઈમટેબલ જ માન્ય ગણાશે.
આ વર્ષે ધો.૧૦ માટે ૨૮,૯૭૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં ૨૦,૩૭૦ છોકરાઓ, ૬,૬૦૫ વિદ્યાર્થિનીઓ, એક તૃતીયપંથી વિદ્યાર્થીનો સમાવેશ છે. જ્યારે ધો.૧૨ માટે ૫૬,૮૪૫ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં ૩૬,૫૯૦ છોકરા, ૨૦,૨૫૦ છોકરીઓ અને પાંચ તૃતીયપંથીનો સમાવેશ છે. ગયા વર્ષે ફેરપરીક્ષામાં ધો.૧૦ માટે ૪૯,૪૬૮ તો ધો.૧૨ માટે ૭૦,૪૬૨ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
સવારના સત્રમાં ૧૦.૩૦ વાગ્યે તો બપોરના સત્રની પરીક્ષા માટે ૨.૩૦ કલાકે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. ત્યારબાદ સત્ર મુજબ, સવારે ૧૧.૩૦ કલાકે અને બપોરે ૩.૦૦ વાગ્યે પ્રશ્નપત્રનું વિતરણ કરાશે. ફેબુ્રઆરી-માર્ચ, ૨૦૨૪ મુજબ જ આ પરીક્ષા માટે પણ ૧૦ મિનીટ વધારી આપવામાં આવી છે.