આણંદ : આણંદ જિલ્લામાં સોમવારે બપોરે ધોધમાર વરસાદ પડયો હતો. આણંદ તાલુકામાં એક કલાકમાં જ અઢી ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. લોકો હાલાકીમાં મુકાઇ ગયા હતા. મુખ્ય રસ્તાઓ પર કેડસમા પાણી ભરાઇ ગયા હતા. તારાપુરમાં બે ઇંચ, ખંભાત અને પેટલાદમાં પણ દોઢ ઇંચ, સોજિત્રામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ત્યાં પણ પાણી ભરાઇ ગયા હતા.
લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ આજે બપોરના સુમારે વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ આણંદ જિલ્લામાં ધમાકેદાર બેટીંગ કરી હતી. જેમાં આણંદ તાલુકામાં બપોરના સુમારે એક કલાકમાં લગભગ અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ સ્થાનિકોને અનેક તકલીફોનો સમાનો કરવો પડયો હતો.
ઓરેન્જ એલર્ટ વચ્ચે આણંદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં આજે બપોરના સુમારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા અને મેઘગર્જના તથા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. લગભગ એક કલાક સુધી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા આણંદ શહેરના પૂર્વપટ્ટીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને ઈસ્માઈલનગરની વિવિધ સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી તથા જાહેર માર્ગો ઉપર કેડસમા પાણી ભરાઈ ગયા હતા.
વિવિધ રહેણાંક વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા રાચરચીલાને નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ આણંદ શહેરના ગણેશ ચોકડી, મહેન્દ્ર શાહની હોસ્પિટલ, નવા બસ મથક, આણંદ-વિદ્યાનગર રોડ, ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ, ૧૦૦ ફૂટ રોડ સહિતના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા કેટલાક માર્ગો ઉપર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. શહેરના તુલસી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા પરીખ ભુવન વિસ્તારની કેટલીક સોસાયટીઓનો આણંદ સાથેનો સંપર્ક તુટી જવા પામ્યો હતો.
બીજી તરફ જિલ્લાના તારાપુર તાલુકામાં પણ બપોરના સુમારે લગભગ સવા બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સાથે સાથે જિલ્લાના પેટલાદ અને ખંભાત તાલુકામાં પણ બપોરે એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આણંદ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ બપોર બાદ ધીમે-ધીમે વરસાદનું જોર નરમ પડતા વરસાદી પાણી ઓસરી ગયા હતા. જેને લઈ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગામી બે દિવસ દરમ્યાન જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આણંદના ઈસ્માઈલનગરમાં વીજ કરંટથી બાળક અને ગાયના મોત
આણંદ : આણંદ શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ વરસતા ઈસ્માઈલનગરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઈસ્માઈલનગરની એક રહેણાંક સોસાયટીમાં વરસતા વરસાદ વચ્ચે એક વીજ થાંભલામાં કરંટ ઉતરતા નજીકથી પસાર થતી એક ગાયને કરંટ લાગતા તેનું મોત થયું હતું. સાથે આ જ વિસ્તારમાં એક માસુમ બાળકને પણ વીજ કરંટ લાગતા તેનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે આણંદ શહેર પોલીસ મથકે કોઈ નોંધ ન થઈ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે.
આણંદ જિલ્લામાં સોમવારે પડેલો વરસાદ (મીમી)
તાલુકો
વરસાદ(મીમી)
આણંદ
૬૩
તારાપુર
૫૬
ખંભાત
૩૭
પેટલાદ
૩૬
સોજિત્રા
૨૪
બોરસદ
૯
આંકલાવ
૭
ઉમરેઠ
૫