Jammu Kashmir Encounter News | જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક અધિકારી સહિત 5 સૈન્ય જવાનોએ આજે વહેલી સવારે હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો. આ એન્કાઉન્ટર ત્યારે થયું હતું જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપેરશન ગ્રૂપના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિ.મી. દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉરારબાગીમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ભયાનક એન્કાઉન્ટરમાં થયા શહીદ
થોડીકવાર સુધી ગોળીબાર બાદ આતંકીઓએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એક અધિકારીના નેતૃત્વમાં બહાદૂર જવાનોએ પડકારજનક વિસ્તારમાં ગીચ જંગલો વચ્ચે તેમનો પીછો કરવાની શરૂઆત કરી હતી. જેના બાદ રાતના 9 વાગ્યે જંગલમાં ફરી એકવાર ભયાનક અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં પાંચ સૈન્ય જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામને શહીદ જાહેર કરાયા હતા.
કોણે લીધી હુમલાની જવાબદારી?
છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 16 આર્મી કોર જેને વ્હાઇટ નાઈટ કોર તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે જણાવ્યું હતું કે ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી.