– ત્રણ-ત્રણ વખત ટેન્ડરિંગ છતાં એજન્સી આવતી ન હોવાનો અધિકારીનો દાવો
– ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ખુલ્લી જગ્યામાં ધામણકા, કેરીયા,ડેડકડી શાળાના બાળકો શિક્ષણના પાઠ ભણી રહ્યા છે
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની સરકારી શાળાઓમાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જેમાં ધામણકા ગામે લાંબા સમયથી પ્રા.શાળામાં એક ઓરડો છે જેથી બાળકો ગામના મંદિરમાં અભ્યાસ કાર્ય કરી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તો,કેરીયા ગામે પણ લાંબા સમયથી ત્રણ ઓરડા કન્ડમ સ્થિતિમાં છે અને એક ઓરડો છે તે ઓફિસ તરીકે વપરાય છે. જ્યારે પંચાયતના શેડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્ય કરવા મજબુરે છે. ઉપરાંત,ડેડકડી ગામે ધો.૧ થી ૮ની શાળામાં પણ એક ઓરડો હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસી શિક્ષણના પાઠ ભણી રહ્યા હોય તેવી સ્થિતિ છે. તાલુકામાં આવી ૧૫ શાળામાં ઓરડાની ઘટ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
એક તરફ, આ શાળાઓમાં આવેલાં જર્જરિત ઓરડા પાડી દેવા હુકમ થયા છે. પરંતુ, બીજી તરફ નવા ઓરડા બનાવવાની દરકાર લેવાતી નથી.શિયાળો, ઉનાળો કે ચોમાસાં દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખુલ્લા મેદાનમાં શિક્ષણ કરવું શક્ય નથી. ત્યારે, સ્થાનિક કક્ષાએથી તાકિદની અસરથી જર્જરિત ઓરડાઓ પાડી જરૂરિયાત મુજબ નવા ઓરડા બનાવવા વિદ્યાર્થી-વાલી વર્ગમાંથી માંગ ઉઠી છે. જો કે, આ અંગે ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, નવા ઓરડાની કામગીરીના વર્ક ઓર્ડર ગાંધીનગર વડી કચેરીથી કરવામાં આવે છે. અગાઉ ત્રણ-ત્રણ ટેન્ડરો કરવા છતા એજન્સીઓ આવી નથી. હાલ પણ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ હોવાનું તેમણે અતંમાં જણાવ્યું હતું.