બદલીના નિયમો જાહેર નહી કરાતાં
સરકારના શિક્ષણ વિભાગે તો કહેવતને પણ ખોટી પાડી દીધી અહીં બાર
વર્ષે પણ બાવો બોલતો નથી ઃ શિક્ષકોમાં વ્યાપેલો ભારે આક્રોષ
ગાંધીનગર : સમયસર નિર્ણય લેવામાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે પાટનગરમાં
સરકાર સામે વધુ એક મોરચો મંડાયો છે. લાંબા સમયની રજૂઆતો બાદ બદલીના નિયમો જાહેર નહીં
કરાતાં એચટાટ મુખ્ય શિક્ષકોએ રાજ્યના શિક્ષણ મંત્રીની અપિલને ફગાવી દઇને સત્યાગ્રહ
છાવણી પર આમરણ અનશન આંદોલનના શ્રીગણેશ કર્યાં છે. આક્રોષ સાથે એમ પણ કહ્યું કે બાર
વર્ષે બાવો બોલે તે કહેવતને પણ શિક્ષણ વિભાગે ખોટી સાબિત કરી છે.
મુખ્ય શિક્ષકની કેડ વર્ષ ૨૦૧૨માં ઉભી કરવામાં આવી તેને બાર
વર્ષ પસાર થઇ ગયાં છતાં તેમની બદલીના સંબંધે કોઇ નિયમો તો અમલી કરાયા જ નથી.
ઉપરાંત ગ્રેડ પે આપવામાં આવતો નથી. સાથે વધારાની ઘણી કામગીરી કરાવવાની સામે કોઇ
લાભ અપાતા નથી. બદલીના નિયમ જ નહીં હોવાથી મુખ્ય શિક્ષકો પારિવારિક સમસ્યા વેઠી
રહ્યાં છે. બાળકો, પત્ની કે
માતા-પિતા સહિત પરિવાર અને વતનથી દુરની જગ્યાએ નોકરી કરી રહ્યાં છે. આ મુદ્દે
અનેકવાર લેખિત અને મૌખિક રજુઆતો કરાયા પછી સરકાર દ્વારા આ શિક્ષકોને ભાજી મુળા ગણી
લઇને કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં સેક્ટર ૬ના મેદાનમાં સ્થિત
સત્યાગ્રહ છાવણી પર રાજ્યના દરેક જિલ્લામાંથી આવી પહોંચેલા શિક્ષકોએ કહ્યું, કે બદલીના નિયમો
ઉપરાંત બાલવાટિકાથી લઇને ધોરણ ૮ સધીની શાળામાં જ્યાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૦
કે તેનાથી વધુ હોય ત્યાં એક એચટાટ મુખ્ય શિક્ષક મુકવાની માંગણી સંબંધે પણ શિક્ષણ
વિભાગ દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બદલીના નિયમો તૈયાર કરવા માટે સમિતિની રચના અને શિક્ષકોના
મંતવ્યો લેવાની નાટકરૃપ પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ નિયમો તૈયાર થિ ગયાં છે. ટુંક
સમયમાં જાહેર કરવામાં આવશે તેવી સરકારની વાતો ફારસ અને મશ્કરી સમાન બની રહેતા
અમારી પાસે આંદોલન સિવાયનો કોઇ રસ્તો રહ્યો નથી, તેમ શિક્ષકોએ જણાવતા ઉમેર્યું કે હવે બદલીના નિયમો જાહેર
થાય અને અહીં જ સુપ્રત કરવામાં આવે પછી જ અહીંથી જવું છે. એક શિક્ષકે કહ્યું કે
મિત્રનું સંબોધન કરીને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સોશિય મિડીયા મારફત નિયમો
જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાથી આંદોલન સમેટી લેવાની અપિલ કરી છે. પરંતુ આ
સરકારે શિક્ષકોને ક્યારેય મિત્ર ગણ્યાં નહીં હોવાથી શિક્ષણ જ ખાડે ગયું છે. આ
સરકારે હાઇકોર્ટ દ્વારા નવી નીતિ તૈયાર કરવાની તાકીદ કઇં/ી પછી પણ આ દિશામાં કંઇ
ઉકાળ્યું નથી.