– અગ્નિકાંડના પીડિતોએ ન્યાય માટે પોકારો કર્યા પણ તપાસને ફર્ક ન પડયો
– એસીબીમાં સઘન તપાસ માટે સિટ રચાઈ પણ સાગઠીયાના ભ્રષ્ટાચારના ભાગીદારો, કરોડોની લાંચ આપનાર ઈસમો સુધી તપાસ આગળ ન વધી
– ૨૭ના દર્દનાક મોત નીપજાવવાના ગુનામાં ૨૫૦થી વધુના નિવેદનો સાથે ચાર્જશીટ રજૂ થઈ જશે અને નજીકના દિવસોમાં તપાસ પૂર્ણ થશે
– પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા નહીં લેવા સરકાર ઉપર ભારે દબાણ આવી ગયાની પણ ચર્ચા, વહીવટી પગલા લેવાનું પણ ટાળ્યું
રાજકોટ: રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટી.પી.ઓ. મનસુખ સાગઠીયાની અગ્નિકાંડના ગુના ઉપરાંત આવક કરતા રૂા.૧૦ કરોડની વધુ સંપતીના ગુનામાં ધરપકડ કરીને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી ૧૮ કરોડનું સોનુ, રોકડ મળી આવ્યા બાદ આ તપાસ આગળ વધારવા એ.સી.બી.માં પણ એક સિટની રચના થઈ હતી. પરંતુ, શંકાસ્પદ રીતે આ તપાસ સાગઠીયાથી આગળ જ વધી નથી. એટલું જ નહીં, પ્રાપ્ત વિગત અનુસાર સાગઠીયાએ આ તમામ રકમ ભ્રષ્ટાચારથી મેળવી અને ગેમઝોનના માલિકો પાસેથી પણ ખાયકી કરી તે કબુલ્યું અન્ય કોની પાસેથી કેટલી રકમ લાંચ પેટે મેળવી તે વિગત ઉપર આજે પણ પડદો જ રાખી દેવાયો છે.
સાગઠીયાની સાથે ટી.પી. વિભાગના અન્ય ચાર અધિકારીઓની પણ અગ્નિકાંડ અને રેકર્ડ સાથે ચેડાં કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. પરંતુ, આ પાંચેય અધિકારીઓને છાવરનાર ઉચ્ચ અધિકારી કે પદાધિકારી કોણ તે દિશામાં તપાસ કરવાનું ટાળી દેવાયું છે. સાગઠીયાને લાંચ આપનાર મોટા બિલ્ડરો મુખ્ય છે. પરંતુ, તેના નામો કે તેની વિગતો તપાસાઈ નથી. સાગઠીયા વતી રકમ કોણે ઉઘરાવી તે વિગત પણ જાહેર થઈ નથી. સાગઠીયા આ કરોડોની કાળી કમાણીમાંથી કોને કઈ રીતે ભાગ આપતા હતા તે બાબત ઉપર પણ પડદો રહેવા દેવાયો છે. એકંદરે તપાસ સાગઠીયા સુધી જ અટકી ગઈ છે કે અટકાવી દેવાઈ છે.
ખાસ કરીને પદાધિકારીઓ સામે અગ્નિકાંડ મુદ્દે ગુનાહિત બેદરકારી બદલ તો દૂરની વાત, વહીવટી બેદરકારી માટે પણ સરકારે કે ભાજપે પગલા લીધા નથી. એટલું જ નહીં, એ.સી.બી. દ્વારા સાગઠીયાની જેમ પદાધિકારીઓની કે ઉચ્ચ અધિકારીની આવક કરતા વધુ સંપત્તિની તપાસ પણ સરકારે નહીં કરાવતા શંકાના વમળો સર્જાયા છે. સરકારે વારંવાર કોઈ પણ મોટામાથાને્ છોડાશે નહીં. તેવી ખાત્રીઓ આપી પરંતુ, ચોંકાવનારી વાસ્તવિકતા એ છે કે મોટા માથા કે તેમની સંપતિ અંગે કોઈ ઉંડી તપાસ જ કરવામાં આવી નથી. આમ, મોટામાથાને પકડવા જ પ્રયાસ નથી થયો ત્યારે છોડવાની વાત આવતી નથી.
બીજી તરફ, અગ્નિકાંડમાં ૨૭ નાગરિકોના મોત નીપજાવવાના સાપરાધ મનુષ્યવધના ગુનામાં રાજકોટ પોલીસની સિટ દ્વારા તપાસ પૂર્ણતાના આરે છે અને એક સપ્તાહમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવાશે. ૧૫ આરોપીઓની ધરપકડ કરાઈ છે જે હાલ જેલહવાલે છે. ૨૫૦થી વધુ સાહેદો સહિતના નિવે્દનો નોંધવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ, એ.સી.બી.ની તપાસ ઉપરોક્ત મૂજબ અધુરી રાખી દેવાઈ છે અને સરકારની સિટ અને સત્ય શોધક સમિતિએ પણ નવું શુ સત્ય શોધી કાઢયું તે હજુ જાહેર કરાયું નથી.
પીડીતોએ વારંવાર ખૂબ સંવેદનશીલ રીતે સરકારને મોટામાથાઓ સામે કડક પગલા લેવા માંગણી કરી અને હાલની તપાસથી અસંતોષ વ્યક્ત કરીને તટસ્થ, પ્રમાણિક તપાસની માંગણી કરી પરંતુ, સરકારે આ માંગણી હજુ સંતોષી નથી તેમાં સરકાર ઉપર ભારે દબાણ આવી ગયાની પણ ચર્ચા છે. ગુજરાતના ઈતિહાસના સૌથી દર્દનાક એવા આ અગ્નિકાંડને હવે નજીકના ભવિષ્યમાં બધી તપાસ થઈ ગઈ તેમ કહીને વિસારે પાડી દેવામાં આવે તેવી શક્યતા છે.