મધરાત્રે વાડીએ ખૂની ખેલ ખેલીને અજાણ્યો શખ્સ ફરાર
બૂમાબૂમ સાંભળીને ખેતમજૂર દોડી આવ્યો, પણ ‘બાજુમાં ન આવતો, તને મારી નાખશે…’ એવું કહેતા ડરીને નાસી ગયો ! પોલીસ તપાસનો ધમધમાટ
ખંભાળીયા: કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના એક વૃદ્ધ ખેડૂતની ની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં અજાણ્યો શખ્સ હત્યા કરીને નાસી ગયાની ખેતમજૂરની કેફિયતના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે સંયુક્ત પરિવારમાં રહેતા વનરાજસિંહ વજુભા જાડેજા (ઉ.વ. ૫૨) તથા તેમના નાના પુત્ર હરપાલસિંહ વિગેરે ખાખરડા ગામે તેમના ઘરે હતા અને સાંજના આશરે ૬થ૩૦ વાગ્યાના સમયે તેમની ખાખરડા ગામની પરબડી સીમમાં આવેલી તેમની વાડીએ રહેતા અને પશુઓને ચારો નાખતા તેમના પિતા વજુભા બનેસંગ જાડેજા (ઉ.વ.૮૦) ને નાનો પુત્ર હરપાલસિંહ ટિફિન આપી આવ્યા બાદ ગત રાત્રિના આશરે પોણા નવ વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા.
અહીં નજીકમાં રહેતા મજુર વિક્રમભાઈ નામના એક આસામીનો વનરાજસિંહ વજુભા જાડેજાને ફોન આવ્યો હતો કે તમારા પિતા પર અજાણ્યા શખ્સે ધારીયા જેવા હથિયાર વડે હુમલો કરતા તેમના અવાજથી ત્યાં પહોંચેલા વિક્રમભાઈને તેમણે કહ્યું હતું કે ધતું બાજુમાં ના આવતો. નહીં તો તને પણ મારી નાખશે.ધ જેથી વિક્રમભાઈ તથા તેમની પત્ની અને બાળકો ડરી અને તેમના ખેતરમાં ભાગી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી વજુભાના પુત્ર વનરાજસિંહ અને તેમનો નાનોભાઈ હરપાલસિંહ તથા પિતરાઈ ભાઈઓ તાકીદે તેમની વાડીએ દોડીને ગયા હતા ત્યાં જઈને જોતા ખાટલા પર લોહી લુહાણ હાલતમાં વજુભા જાડેજાનો મૃતદેહ પડયો હતો.
ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે વજુભા જાડેજાના ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં અજાણ્યા શખ્સએ હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ બનતા મૃતકના પરિવારજનો દ્વારા ૧૧૨ ને જાણ કરવામાં આવતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી, કલ્યાણપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના પુત્ર વનરાજસિંહ વજુભા જાડેજાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે વિધિવત રીતે ગુનો નોંધ્યો છે. આ સાથે વૃદ્ધની ઘાતકી હત્યા શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.